________________
૧૫૬
દ્વિતીય શ્રુતસ્કંધ :
આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધની ઉપર્યુક્ત સમીક્ષાની જેમ જ દ્વિતીય શ્રુતસ્કંધની પણ સમીક્ષા આવશ્યક છે. દ્વિતીય શ્રુતસ્કંધનો સામાન્ય પરિચય પહેલાં આપી દેવાયો છે. તે પાંચ ચૂલિકાઓમાં વિભક્ત છે, જેમાં આચારપ્રકલ્પ અથવા નિશીથ નામે પાંચમી ચૂલિકા આચારાંગથી અલગ થઈ એક સ્વતંત્ર ગ્રંથ જ બની ગઈ છે. આથી અત્યારે દ્વિતીય શ્રુતસ્કંધમાં માત્ર ચાર ચૂલિકાઓ જ છે. પ્રથમ ચૂલિકામાં સાત પ્રકરણો છે, જેમાં પ્રથમ પ્રકરણ આહારવિષયક છે. આ પ્રકરણમાં કંઈક વિશેષતા છે. તેની ચર્ચા કરવી જરૂરી છે.
આહાર :
જૈન ભિક્ષુ માટે આ એક સામાન્ય નિયમ છે કે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ નાના મોટા જીવજંતુઓથી યુક્ત હોય, ફૂગવાળું હોય, ઘઉં વગેરેના દાણાઓવાળું હોય, લીલી વનસ્પતિ વગેરેથી મિશ્રિત હોય, ઠંડા પાણીથી ભીંજવેલું હોય, જીવયુક્ત હોય, રજવાળું હોય તો ભિક્ષુ તેનો સ્વીકાર ન કરે. કદાચ અસાવધાનીથી એવું ભોજન આવી પણ જાય તો તેમાંથી જીવજંતુ વગેરે કાઢી નાખીને તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરે. ભોજન કરવા માટેનું સ્થાન કેવું હોય ? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે ભિક્ષુ એકાંત સ્થાન શોધે અર્થાત્ એકાંતમાં જઈને કોઈ વાડી, ઉપાશ્રય અથવા શૂન્યગૃહમાં કોઈ જુએ નહિ તેમ ભોજન કરે. વાડી વગેરે કેવાં હોય ? જેમાં બેસવાની જગ્યાએ ઈંડા ન હોય, અન્ય જીવજંતુ ન હોય, અનાજના દાણા અથવા ફળ વગેરેનાં બી ન હોય, લીલા પાંદડાં વગેરે પડ્યાં ન હોય, ઝાકળ ન પડી હોય, ઠંડું પાણી ન પડ્યું હોય, સેવાળ ન ચોંટી હોય, ભીની માટી ન હોય, કરોળિયાનાં જાળાં ન હોય એવા નિર્જીવ સ્થાનમાં બેસીને ભિક્ષુ ભોજન કરે. આહાર, પાણી વગેરેમાંથી અખાદ્ય અથવા અપેય પદાર્થ નીકળે તો તેને એવા સ્થાનમાં ફેંકે કે જ્યાં એકાંત હોય અર્થાત્ કોઈની અવરજવર ન હોય તથા જીવજંતુ વગેરે પણ ન હોય.
અંગઆગમ
ભિક્ષા માટે અન્યમતના સાધુઓ અથવા ગૃહસ્થની સાથે કોઈના ઘરમાં પ્રવેશ ન કરે અથવા ઘરેથી બહાર ન નીકળે કેમ કે વૃત્તિકારના કથન અનુસાર અન્યતીર્થિકો સાથે પ્રવેશ કરનાર અને નીકળનાર ભિક્ષુને આધ્યાત્મિક અને બાહ્ય હાનિ થાય છે. આ નિયમથી એ વાત ફલિત થાય છે કે તે જમાનામાં પણ સંપ્રદાય સંપ્રદાય વચ્ચે પરસ્પર સદ્ભાવનાનો અભાવ હતો.
આગળ એક નિયમ એવો આવે છે કે જે ભોજન અન્ય શ્રમણો એટલે કે બૌદ્ધ શ્રમણો, તાપસો, આજીવિકો વગેરેને માટે અથવા અતિથિઓ, ભિખારીઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org