________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ
૧૩૯
જુદી જુદી રીતે વિવાદ કરતાં કહે છે કે અમે જોયું છે, અમે સાંભળ્યું છે, અમે માન્યું છે, અમે ખાસ રીતે જાણ્યું છે તથા ઊંચી-નીચી અને ત્રાંસી બધી દિશાઓમાં બધી રીતે પૂરેપૂરી સાવધાનપૂર્વક જાણી લીધું છે કે બધા પ્રાણો, બધા ભૂતો, બધા જીવો, બધા સત્ત્વો હણવાયોગ્ય છે, સંતાપ પમાડવા યોગ્ય છે, ઉપદ્રવ કરવા યોગ્ય છે અને સ્વામીપણું કરવા યોગ્ય છે. આવું કરવામાં કોઈ દોષ નથી. આ રીતે કેટલાક શ્રમણો અને બ્રાહ્મણોના મતનો નિર્દેશ કરી સૂત્રકારે પોતાનો મત બતાવતાં કહ્યું છે કે આ વચનો અનાર્યોનાં છે એટલે કે આ પ્રકારે હિંસાનું સમર્થન કરવું તે અનાર્ય માર્ગ છે. આને આર્યોએ દુર્દશન કહ્યું છે, દુઃશ્રવણ કહ્યું છે, દુર્મત કહ્યો છે, દુર્વિજ્ઞાન કહ્યું છે અને દુષ્પત્યવેક્ષણ કહ્યું છે. અમે એવું કહીએ છીએ, એવું ભાષણ કરીએ છીએ, એવું બતાવીએ છીએ, એવું પ્રરૂપણ કરીએ છીએ કે કોઈપણ પ્રાણ, કોઈપણ ભૂત, કોઈપણ જીવ, કોઈપણ સત્ત્વને હણવો ન જોઈએ, નષ્ટ ન કરવો જોઈએ, પરિતાપન પહોંચાડવો જોઈએ, ઉપદ્રવ ન કરવો જોઈએ અને તેના પર સ્વામિત્વ ન કરવું જોઈએ. આવું કરવામાં જ દોષ નથી. આ આર્યવચન છે. તે પછી સૂત્રકાર કહે છે કે હિંસાનું વિધાન કરનાર અને તેને નિર્દોષ માનનારા સમસ્ત વાદીઓને એકત્ર કરી પ્રત્યેકને પૂછવું જોઈએ કે તમને મનની અનુકૂળતા દુઃખરૂપ લાગે છે કે પ્રતિકૂળતા? જો તેઓ કહે કે અમને તો મનની પ્રતિકૂળતા દુ:ખરૂપ લાગે છે તો તેમને કહેવું જોઈએ કે જેવી રીતે તમને મનની પ્રતિકૂળતા દુઃખરૂપ લાગે છે તેવી જ રીતે સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોને પણ મનની પ્રતિકૂળતા દુઃખરૂપ લાગે છે.
વિમોહનામના આઠમા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે એ વાદીઓ આલંભાર્થી છે, પ્રાણીઓનું હનન કરનારા છે, હનન કરાવનારા છે, હનન કરનારાઓનું સમર્થન કરનારા છે, અદત્ત લેનારા છે. તેઓ નીચે પ્રમાણે જુદાં જુદાં વચનો બોલે છે: લોક છે, લોક નથી, લોક અપ્રુવ છે, લોક સાદિ છે, લોક અનાદિ છે, લોક સાંત છે, લોક અનંત છે, સુકૃત છે, દુષ્કૃત છે, કલ્યાણ છે, પાપ છે, સાધુ છે, અસાધુ છે, સિદ્ધિ છે, અસિદ્ધિ છે, નરક છે, અનરક છે. આ પ્રકારની તત્ત્વવિષયક વિપ્રતિપત્તિવાળા આ વાદીઓ પોતપોતાના ધર્મનું પ્રતિપાદન કરે છે. સૂત્રકારે આ બધા વાદોને સામાન્યપણે યાદચ્છિક (આકસ્મિક) અને હેતુ શૂન્ય કહ્યા છે તથા કોઈનામવિશેષનો ઉલ્લેખ કર્યો નથી. તેમની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકાર અને વૃત્તિકારે વિશેષપણે વૈદિક શાખાના સાંખ્ય વગેરે મતોનો ઉલ્લેખ કર્યો છે અને શાક્ય અર્થાતુ બૌદ્ધ ભિક્ષુઓના આચરણ તથા તેમની અમુક માન્યતાઓનો નિર્દેશ કર્યો છે. આચારાંગની જ માફક દીઘનિકાયના બ્રહ્મજાલસુત્તમાં પણ ભગવાન બુદ્ધના સમયના અનેક વાદોનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org