________________
આજે, આ કૃતિમાં અમોએ જૈન દર્શન અને જૈન સમાજના સર્વતોમુખી વિકાસને માટે જેમણે છેલ્લાં બસો વર્ષોમાં મૌલિક, વ્યાપક, વિવિધલક્ષી અને અખિલ ભારતીય કક્ષાનું યોગદાન કર્યું હોય, તેમના ગુણાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ ગ્રંથમાં કોનો કોનો સમાવેશ કરવો તે નક્કી કરવાનું કામ કઠિન હતું, છતાં અમોએ વધુમાં વધુ સાવધાનીપૂર્વક નીચેના મુદ્દાઓને ખ્યાલમાં રાખ્યા છે:
(૧) માત્ર એક જ નાના સમુદાયનું હિત લક્ષમાં રાખીને સ્થાનિક વિકાસમાં જ ન અટકી જતાં જેઓએ દૂરદૂરનાં ક્ષેત્રોમાં પણ વિશાળ સમુદાયને આવરી લેતાં કાર્યો કર્યાં હોય અથવા કરાવ્યાં હોય;
(૨) જેમનું વ્યક્તિગત જીવન ઉન્નત અને પ્રભાવશાળી રહ્યું હોય;
(૩) સૌમ્યતા, તપ, ત્યાગ, જ્ઞાન, પ્રજ્ઞા, શાંતિ, પ્રેમ, જનસેવા, સંસ્કૃતિ, સાહિત્ય, કળા, ધર્મ, વિજ્ઞાન, સહનશીલતા, દાનશીલતા, સમર્પણતા, નિસ્પૃહતા, કરુણા, વિશ્વપ્રેમ, અનેક વિદ્યાની ઉપાસના આદિ માનવીય અને અતિમાનવીય [Super human] ગુણોથી જેમનો જીવનબગીચો મહેંકતો થયો હોય અને જેઓ બેધડકપણે વિરોધીઓ પર પણ પોતાના સદ્ગુણોની અમીટ છાપ પાડી શકથા હોય;
(૪) જેમના ચારિત્ર્ય-પ્રસંગોને વાંચવા-વિચારવાથી વર્તમાન પેઢીના સામાન્ય માનવીથી માંડીને શ્રદ્ધાળુને, મધ્યમવર્ગના બુદ્ધિજીવીને, વિચારકને કે પ્રબુદ્ધ ચરિત્રવાન મનુષ્યને તેમજ ધીમંત, શ્રીમંત, યુવા, પ્રૌઢ સૌ કોઈને પોતાનું જીવન ઉન્નત બનાવવા માટે પ્રેરણા, માર્ગદર્શન અને ઉત્સાહવૃદ્ધિ થઈ શકે તેમ હોય;
(૫) જેઓએ પોતાનાં તન, મન, ધન, વચન, બુદ્ધિ, આવડત, કલાકૌશલ, સમય, સત્તા અને આત્મપરિણામોને બહુજનહિતાય સમર્પિત કરી દીધાં હોય અને તેથી પરદુ:ખભંજન અને ઉદારચેતા બન્યા હોય;
તેવા મહાનુભાવોના વ્યક્તિત્વ અને કૃતિત્વનું આ ગ્રંથમાં શુદ્ધ, ગુણગ્રાહક અને પ્રામાણિક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે. આ માટે શકય તેટલી માહિતી અધિકૃત સ્રોતોમાંથી મેળવેલી છે અને તેથી મોટા ભાગની વિગતો ઐતિહાસિક સત્ય અને બનેલા પ્રસંગોરૂપે જ છે. આમ છતાં કોઈ પણ સ્થાને સત્યથી કાંઈ પણ વિપરીત, 'ન કે અધિક લખાઈ ગયું હોય તો સર્વજ્ઞ-સદ્ગુરુઓની સાક્ષીએ ક્ષમા માગીએ છીએ અને તજ્ઞ વિદ્વાનોને તે ક્ષતિ તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી કરીએ છીએ જેથી આ પછીની આવૃત્તિઓમાં તે ભૂલો સુધારી શકાય. સામાન્ય મનુષ્યોને સમજણમાં આવી શકે એવી જનસમ્મત ભાષાનો જ પ્રયોગ આ ગ્રંથમાં કરેલો છે, તેને શાસ્ત્રની ભાષારૂપે ન સમજવા વિજ્રદ્વર્ગને વિનંતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org