________________
પ્રાક્-કથન
જૈન ધર્મ અને દર્શન અતિ પ્રાચર્ચીન કાળથી આપણા દેશમાં પ્રચલિત છે. ઋષભદેવ અને અરિષ્ટનેમિનાં નામો હજારો વર્ષ જૂનાં પ્રાચીન શાસ્ત્રો ઋગ્વેદ અને શ્રીમદ્ ભાગવતમાં પણ અવતારી પુરુષો તરીકે શ્રદ્ધાપૂર્વક લેવામાં આવ્યાં છે, જેથી તેમની પ્રાચીનતા સહજપણે સિદ્ધ થાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ ભગવાન મહાવીરે આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં અહિંસા, સત્ય, અનેકાન્ત અને શાંતિનો સંદેશો આપણને આપ્યો છે. પરિગ્રહ-પરિમાણ દ્વારા તેઓએ જ આજના સમાજવાદ અને સર્વોદયનો પ્રારંભ કર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ શ્રી ભદ્રબાહુસ્વામીથી માંડીને આધ્યાત્મિક, રાજકીય, આર્થિક, નૈતિક, બૌદ્ધિક, સાહિત્યિક, સાંસ્કૃતિક અને કળા-વિષયક—એમ સર્વ ક્ષેત્રોમાં જૈનોએ ભારતીય અસ્મિતાને ઉન્નત બનાવવામાં પોતાનો મૌલિક અને અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમાં પણ શ્રી નેમિનાથ, શ્રી શીલગુણસૂરિ, શ્રી વનરાજ ચાવડા, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી કુમારપાળ (ગુર્જરનરેશ), શ્રી શાંતિદાસ ઝવેરી, શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ઇત્યાદિ અનેક પ્રાચીન અને અર્વાચીન નરરત્નોએ ગુર્જરભૂમિની શાનને વધારવા પોતપોતાની રીતે મહાન ફાળો આપ્યો છે.
અર્વાચીન કાળ તરફ દષ્ટિ કરીએ તો આપણા દેશના સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસમાં વિશિષ્ટ અને મૌલિક પ્રદાન કરનારા અનેક મહાપુરુષો આપણી નજર સમક્ષ તરી આવે છે, પરંતુ આ બધાનાં ઉદાત્ત જીવનચરિત્રો અને પ્રેરણાદાયક મહાન કર્તવ્યોના ગુણાનુવાદ અને સમીક્ષા અધિકૃતપણે કરવાં હોય તો તે માટે ઘણા વર્ષોની મહેનત, આગવી સૂઝ, સાધનો, સહકાર અને સમય જોઈએ. આ ગ્રંથનું પ્રકાશન કરનાર સંસ્થા પાસે હાલ ઉપલબ્ધ સાધનસામગ્રી આ મહાન કાર્ય માટે ટૂંકી પડે. આવા સંજોગોમાં વર્તમાન કૃતિમાં જૈન સંસ્કૃતિ અને ધર્મની સર્વાંગી સેવા કરનારા મહાપુરુષોના જીવનચરિત્રોનું, અમને ઉપલબ્ધ થઈ શકી તેટલી માહિતીના આધારે આ ગ્રંથમાં આલેખન કરી તેમના ગુણાનુવાદ કરવાનું યોગ્ય માનેલું છે. ખરેખર તો આ પ્રેમપરિશ્રમ દ્વારા અમોએ માનવીના સમગ્ર વ્યક્તિત્વના વિશાળ લકને ધ્યાનમાં રાખી ઉત્તમ સદ્ગુણોનો બહુઆયામી વિકાસ રોજબરોજના જીવનમાં કેવી રીતે કરવો તે માટેનું પાથેય રજૂ કરેલું છે. આ માટે અર્વાચીન ઐતિહાસિક સામગ્રીનું અવલંબન લઈને બહુજન સમાજને તે ઉપયોગી થાય તેવો પ્રયત્ન કરેલો છે. આ સમગ્ર કાર્યકલાપમાં જે કાંઈ ત્રુટિઓ દેખાય તેને વાચકવર્ગ ક્ષમ્ય ગણશે એવી અમારી આશા છે.
Jain Education International
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org