________________
૨૦૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ત્યારથી અમેરિકાની સાયનેમાઇડ કંપની સાથે તેમણે સહયોગની વાટાઘાટો ચાલુ કરી હતી. આગળ જતાં વલસાડ પાસે ઈ. સ. ૧૯૪૯માં અતુલ પ્રૉડક્ટ્સના નામથી ૮૦૦ એકર જમીન મેળવવામાં આવી અને પોતાના ખાસ વિશ્વાસુ શ્રી બી. કે. મજમુદારને તેના આયોજન અને વિકાસનું કામ સોંપ્યું; જે શ્રી મજમુદારે ખરેખર અત્યંત પ્રશંસનીય રીતે પાર પાડયું. તા. ૧૭–૩–૧૯૫૨ના રોજ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના હાથે આ ઉત્તમ નમૂનેદાર ઉદ્યોગસંકુલનું ઉદ્ઘાટન થયું. ધીમે ધીમે તેનો સારો વિકાસ થતો ગયો. ઈ. સ. ૧૯૫૬માં ભારત સરકારની રૂ. ત્રણ કરોડની લોન મળતાં તેનો ખૂબ ઝડપથી વિકાસ થવા લાગ્યો. અત્યારે તો તેના કરોડો રૂપિયાના માલની વિદેશોમાં નિકાસ થાય છે. તેના સ્ટાફ માટે અગિયારસો પચાસ (૧૧૫૦) મકાન બાંધવામાં આવ્યાં છે. આજુબાજુના દસ કિલોમીટર અંતરથી આવતા લગભગ ૫૫૦૦ માણસોને કાયમી રોજી મળે છે. અહીં એકબીજા સાથે સંકળાયેલ દવાઓ, રસાયણ અને અનેક જાતના રંગોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વાત તો તેના અંગત વિકાસની છે પણ ‘ અતુલે ’ જે મહાન સામાજિક કાર્ય કર્યું છે તે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સમૂહકલ્યાણની દૃષ્ટિએ ખાસ ધ્યાન ખેંચનારું છે. કેન્ટિનમાંથી સસ્તા દરે મળતું ભોજન, ઓપનર થિયેટર, રમતગમત અને મનોરંજન માટેની ક્લબો, શાન, સંસ્કાર અને કળાની પ્રવૃત્તિઓ, બે હજારથી વધુ શિશુઓ અને વિદ્યાર્થીઓના શિક્ષણની સુંદર વ્યવસ્થા તેમજ આરોગ્યસુવિધાઓ—આ બધી તેની ખાસ વિશેષતાઓ છે. આટલું જ નહીં શ્રી મજમુદાર, શ્રી સિદ્ધાર્થભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વિમળાબહેન, સમસ્ત વલસાડ જિલ્લાના અને ખાસ કરીને આજુબાજુના આદિવાસીઓના સર્વતોમુખી વિકાસમાં જે રીતે દત્તચિત્ત રહ્યાં છે તે ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. આમ, ‘અતુલ ’ને કસ્તુરભાઈની કારકીર્દિનું સાકાર થયેલું સર્વોચ્ચ સ્વપ્ન ગણી શકાય.
રાષ્ટ્રીયતાના રંગે : છેક ૧૯૨૧ ની સાલથી રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા અનેક નેતાઓનો કસ્તુરભાઈને પરિચય થતો રહેલો. પછી તે મજૂરો અને માલિકોની મડાગાંઠના સંદર્ભમાં હોય, દુષ્કાળ કે પૂરની રાહતના સંદર્ભમાં હોય, કૉંગ્રેસના અધિવેશનના સંદર્ભમાં હોય કે ઉદ્યોગોને લગતા વિવાદાસ્પદ મુદ્દા બાબતમાં હોય. સૌના હિતને ખ્યાલમાં રાખવાની વૃત્તિ હોવા છતાં રાષ્ટ્રનું હિત તેઓના હૈયે સર્વોચ્ચ સ્થાને હતું. આ કાર્યને સિદ્ધ કરવા માટે તેઓ પોતાનો અંગત લાભ પણ જતો કરતા. એટલું જ નહીં પણ પોતે નુકસાન સહન કરવા પણ તૈયાર રહેતા.
મજૂરોનું, સ્ટાફનું અને શૅરહોલ્ડરોનું હિત જળવાય તે જોવા તેઓ હંમેશાં આતુર રહેતા. સૌની સાથે તેમના સુખ:દુખના પ્રસંગોએ હાજર રહી એવી આત્મીયતા કેળવી હતી કે મજૂરો અને સ્ટાફના સભ્યો તેમનું યોગ્ય સન્માન કરતા. સ્વદેશી વસ્તુનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે, સંકટરાહતના કોઈ પણ કાર્ય માટે, રાષ્ટ્રીય નેતાઓ સાથે ઘનિષ્ટ અને આત્મીય સંબંધો સહિત મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને મોતીલાલ નેહરુ જેવા નેતાઓ પ્રત્યે પૂજ્યભાવ રાખવા બાબતે અને રાષ્ટ્રીય ચળવળને સર્વ પ્રકારે સફળ બનાવવા માટે તેઓ હંમેશાં ઉત્સુક અને ઉદ્યમી રહેતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International