________________
શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
કંડલાને મહાબંદર તરીકે વિકસાવવા માટેની અથથી ઇતિ સુધીની સર્વ કાર્યવાહીમાં તેઓ કેન્દ્રસ્થાને હતા. ગાંધી સ્મારક નિધિ માટે ઉદ્યોગગૃહો પાસેથી પાંચ કરોડ રૂપિયા ભેગા કરી આપવાની મુખ્ય જવાબદારી તેઓએ સ્વીકારી હતી અને ઘણાં વર્ષો સુધી તેના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી. નાનીમોટી અનેક આર્થિક યોજનામાં તેઓ સલાહકાર હતા. ઈ. સ. ૧૯૫૪માં સોવિયેટ યુનિયન (રશિયા) મોકલવામાં આવેલા ઔદ્યોગિક પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ તેમણે સંભાળ્યું હતું. આ ઉપરાંત અમેરિકા, જાપાન અને પશ્ચિમ યુરોપના દેશોમાં ભરાયેલી અનેક પરિષદોમાં પણ તેઓએ અતિથિવિશેષ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
૨૦૯
જીવનનું ધ્યેય અને તેની સિદ્ધિ : તેમનાં છેલ્લાં વર્ષોમાં તેમણે કહેલું કે મારી ચાર ભાવનાઓ છે :
(૧) જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર.
(૨) પ્રેમાભાઈ હૉલ(અમદાવાદ)નું આધુનિકીકરણ. (૩) અમદાવાદમાં એંજિનિયરિંગ કૉલેજની સ્થાપના. (૪) શાસ્ત્રોની જૂની પ્રતોની સુરક્ષા અને તેમનું સંશોધન.
તેમની હયાતિમાં જ આ ચારેય જીવનધ્યેયોની પૂર્તિ થઈ તેથી તેમના જીવનની કૃતકૃત્યતાનો અનુભવ થયો એમ કહી શકાય.
તેઓએ રૂ. ૨૫ લાખનું દાન આપ્યું તેથી ઈ. સ. ૧૯૪૫માં અમદાવાદમાં એલ. ડી. એંજિનિયરિંગ કૉલેજની સ્થાપના થઈ શકી. જૈનોની પ્રસિદ્ધ પેઢી આણંદજી કલ્યાણજીનો ઘણાં વર્ષો સુધી તેઓએ પ્રમુખ રહીને વહીવટ સંભાળ્યો હતો. તે દરમ્યાન તેમણે ઘણાં અગત્યનાં કાર્યો કર્યાં. હરિજનોનો જૈન મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન, તારંગાના વિવાદનો પ્રશ્ન તેમજ ઐતિહાસિક કહી શકાય તેવા રાણકપુર, દેલવાડા, શેત્રુંજય અને તારંગાનાં જૈન તીર્થોના ઉદ્ધારનો પ્રશ્ન—આ બધા પ્રશ્નો તેમણે સારી રીતે ઉકેલ્યા. તેમાં પણ પોતે અંગત રસ લઈને, જે પ્રકારે તીર્થોનું અદ્યતન દૃષ્ટિથી, કલાત્મક રીતે જીર્ણોદ્વારનું કાર્ય કરાવ્યું તે ખરેખર અદ્ભુત અને તેમની વિશિષ્ટ કોઠાસૂઝનું દ્યોતક છે. દેલવાડાનાં મંદિરો માટે અંગત રસ લઈને તેઓએ દાંતાની ખાણોમાંથી આરસ મેળવ્યો હતો. તારંગાનાં મંદિરોની કળા, ઉપરથી ઢાંકી દેવામાં આવી હતી; તે ખાસ કારીગરોને રોકીને તેમણે ખૂબ કાળજીપૂર્વક મૂળ સ્વરૂપમાં પ્રગટ કરાવી તેમજ સમુચ્ચય દૃષ્ટિએ તીર્થની કળાનો ઉઠાવ આવે તે માટે જરૂરી અનેક નાનામોટા ફેરફારો કરાવ્યા તે તેમની કળાદષ્ટિને આભારી છે. આ ઉપરાંત ગિરનાર, કુંભારિયા, ધંધુકા અને અમદાવાદની શાંતિનાથની પોળના દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય પણ તેમણે પોતાની આગવી સૂઝ અને દીર્ધદષ્ટિથી કરાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જૈન મંદિરોનો સ્વચ્છ અને આદર્શ વહીવટ થતો જોઈને ધાર્મિક ટ્રસ્ટોની તપાસ માટેની સમિતિના અધ્યક્ષ સર શ્રી સી. પી. રામસ્વામીએ અન્ય હિંદુ ટ્રસ્ટોએ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાનું વિચારવું જોઈએ તેવો રિપોર્ટ પોતાની ભલામણોમાં કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org