________________
પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી
૨૦૩
સાધુઓ કે બીજાઓને ભણાવીને પોતાનો વિકટ જીવનપંથ કાપતા રહ્યા. આવી વિકટ સ્થિતિ છતાં જૈન સાહિત્યમાં રહેલ સત્યનો પ્રચાર કરવાની એમની તમન્નામાં જરા પણ ઓટ ન આવી, અને જૈન સાહિત્ય સાથેનો સંબંધ શિથિલ કરીને, વિદ્યાનાં બીજાં ક્ષેત્રો દ્વારા જીવનને સુખચેનવાળું બનાવવાની લાલચથી પંડિતજી સર્વથા અળગા રહ્યા. આ દુ:ખના ને કસોટીના સમયમાં તેમને સાથ આપનાર તેમનાં સહધર્મિણી શ્રીમતી અજવાળીબહેનને પુત્રો પ્રબોધ–શિરીષને તથા પુત્રીઓ લલિતા અને લાવણ્યવતીને અને યાદ કર્યા સિવાય અને ધન્યવાદ આપ્યા સિવાય આપણાથી કેમ રહી શકાય ?
પ્રાધ્યાપક તરીકે નિયુકિત, સ્થિરતા અને યશપ્રાપ્તિ : ૧૯૩૮ આસપાસ અમદાવાદમાં એલ. ડી. આર્ટસ કૉલેજ સ્થપાઈ અને ગુજરાતના સર્વમાન્ય વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ એ કૉલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે નિમાયા. સને ૧૯૪૦ માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ’ વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી ચડાવી દીધી. જીવનનાં સાઠ વર્ષ દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્ત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના પંડિતજી અસાધારણ વિદ્વાન હતા. આ ક્ષેત્રમાં તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન ધરાવતા. સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા જ ઉત્કટ વિદ્વાન હતા. આ બધાની પાછળ, જૈન સાહિત્યમાંની સાચી હકીકતો પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો બતાવવાની જે ક્રાંતિકારી ભાવના તેઓએ સેવી તે એક અપૂર્વ હકીકત હતી. પાંડિત્ય અને સત્યલક્ષી ક્રાંતિપ્રિયતાનો આવો યોગ બહુ વિરલ ઘટના છે. સંસ્કૃતમાં પાંડિત્ય તથા શાસ્ત્રનિષ્ઠા માટે સને ૧૯૬૪માં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન તરફથી શાલ ઓઢાડીને પ્રમાણપત્ર મળેલ. આ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓ તરફથી વિવિધ પ્રસંગે તેમનું બહુમાન કરી ૭ સુવર્ણચંદ્રક, સાતેક ચાંદીની કાસ્કેટો તથા પંદરેક સન્માનપત્રો તેમને અર્પણ થયેલાં.
અંતિમ વખો : કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી પણ સારી એવી સ્વૈચ્છિક સેવાઓ પંડિતજીએ લા. દ. પ્રાચ્યવિદ્યામંદિરને આપી હતી અને પીએચ. ડી.ના ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આમ વિવિધ સેવાઓ આપી ૯૩ વર્ષની જૈફ વયે, સૌ સ્વજન–બંધુવર્ગને ખમાવીને. તા. ૧૧–૧૦–૧૯૮૨ ના રોજ તેઓએ શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. જેને સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પાંડિતજી જેવા અનેક સત્યવીર પંડિતપુરુષોની આજે સમાજને ખૂબ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org