________________
૧૧૪
અર્વાચીન જૈન જ્યોતિધરી
બાએ જ પાલક માતા તરીકેની ફરજ બજાવી. આટલું ઓછું હોય તેમ થોડા વખતમાં મોટા ભાઈ જેસંગભાઈનું અવસાન થયું અને મોંઘીબા વિધવા થયાં. ત્યાર બાદ નાગરભાઈની સાથે જે કન્યાનો વિવાહ થયો હતો, તેમાં કાંઈ અદલા-બદલી કરી નાખવામાં આવી છે તેવા સમાચાર મળ્યા. એક પછી એક આવી પડેલા આવા અનેક પ્રસંગોથી નાગરભાઈ તથા મોંધીબાનું ચિત્ત વધારે વિરક્ત થઈ ગયું. ઘણા લોકોની સમજાવટ છતાં નાગરભાઈનો વૈરાગ્ય વધતો ગયો. તેઓ સવાંચન અને સસમાગમમાં રહેવા લાગ્યા અને યોગ્ય ગુરુ મળે તો દીક્ષા લેવી એવા નિર્ણય પર આવી ગયા. આ સમયે તેમને લીંબડીના શ્રી પોપટભાઈ હંસરાજભાઈનો ભેટો થયો. તેમણે પૂ. શ્રી. દેવચંદ્રજી મહારાજ પાસે જવાની સૂચના કરી. બંને જણા વાગડ થઈ કછ પહોંચી ગયા. અહીં પૂ. મહારાજશ્રી દેવચંદ્રજીના દર્શન-બોધથી પ્રભાવિત થઈ જેસલ-તોરલની સમાધિસ્થાનથી પ્રસિદ્ધ અંજાર ગામે વિ. સં. ૧૯૫૭ના ફાગણ સુદ ત્રીજ ને ગુરુવારે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ મુનિ નાનચંદ્ર રાખ્યું.
તેમના કેટલાક ચાતુર્માસ માંડવી, જામનગર અને મોરબીમાં થયા. આ દરમિયાન તેઓએ રાષ્ટ્રીયતાના પક્ષમાં અને પ્રભુ મહાવીરના ગુણગાન સાધુ મહારાજ પણ મોટેથી ગાય તો વાંધો નહિ તેના સમર્થનમાં પોતાનું સુધારાવાદી વલણ સમાજ સમક્ષ વ્યક્ત કર્યું. આ કારણથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મુનિશ્રી ક્રાંતિકારી વિચારોવાળા તરીકે જાણીતા થયા.
ગુરુસેવા અને વિશેષ શાસ્ત્રાભ્યાસ : ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજને લકવાની અસર થઈ અને આ યુવાન મુનિએ ગુરુજીની સેવામાં રહેવાનું નક્કી કર્યું. આથી વિ.સં. ૧૯૬૮ થી વિ. સં. ૧૯૭૬ સુધી (નવ વર્ષ સુધી) લીંબડીમાં લાંબો સ્થિરવાસ કરવો પડ્યો. આ સમય દરમિયાન તેમણે પોતાની આગવી બુદ્ધિપ્રતિભા દ્વારા સાધક જીવન માટે આવશ્યક સંસ્કૃત, પ્રાકૃત, દર્શન અને કાવ્યશાસ્ત્રોનો ઠીક ઠીક અભ્યાસ કરી લીધો. ઉપરાંત સમાજસેવા અને સાહિત્ય-નિર્માણમાં પોતાના સમયનો સદુપયોગ કરી સંધની ખૂબ ખૂબ ચાહના મેળવી. સમસ્ત સંઘ અને મુનિશ્રીએ ગુરજીની સેવાશુશ્રષા કરવામાં કોઈ ઊણપ રાખી ન હતી. છતાં, તેમની તબિયતે પલટો ખાધો અને વિ.સં. ૧૯૭૭માં તેઓએ સ્વર્ગારોહણ કર્યું. સૌની સાથે મુનિશ્રીને પણ ગુરુવિરહનું દુ:ખ હતું. થોડા સમયમાં જ સંધે સાયલા પ્રયાણ કર્યું. ત્યાં તેઓ ત્રણ દિવસના ઉપવાસ ગ્રહણ કરી એક ભોંયરામાં ચિતનમગ્ન દશામાં બેસી રહ્યા. આથી શરીર પર ઠંડી અને ભેજની વિપરીત અસર થઈ અને “વા”ની બીમારી લાગુ પડી. પણ યુવાવસ્થામાં શરીરને કસવું અને શાતાશીલિયા ના થવું, શરીરની બહુ આળપંપાળ ના કરવી તેવી મુનિરાજની દઢ માન્યતા હતી. પોતાની દઢતાની પરીક્ષાનો આ એક નવતર પ્રયોગ હતો.
મુંબઈગરાઓનું આકર્ષણ : મુનિશ્રીનું ભવ્ય વ્યક્તિત્વ, તેમની પદ્યમય શૈલી, વિશાળ દષ્ટિ, બુલંદ છતાં મીઠો સ્વર, સુધારાવાદી વિચારધારા, સમાજવિકાસની ધગશ વગેરે અનેક ગુણોને લીધે મુંબઈના સંધની ચાતુર્માસ માટે સતત માગણી રહેતી. અને મુનિશ્રીને વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ ઘાટકોપરમાં કરવાની સ્વીકૃતિ આપવી પડી. For Private & Personal Use Only
WWW.jainelibrary.org -
Jain Education International