________________
પ્રકાશકીય
અભ્યાસી અને સાધકોને ઉપયોગી થાય તેવા ઉચ્ચ કોટિના સત્સાહિત્યની પુસ્તક પરંપરામાં આ સાધક-ભાવના પ્રગટ કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. આ પુસ્તક ‘મેરી ભાવના’ તથા ‘શ્રી અમિતગતિ સામાયિક પાઠ' એ બંને સાધકની પરમપદની ભાવનાઓના વિશેષાર્થોને પ્રગટ કરતું ગ્રંથ-યુગલ છે. મૂળ કૃતિઓ
જેના ઉપર પ્રસ્તુત ટીકા - વિવેચન લખાયું છે તે મૂળ કૃતિઓમાં પહેલી કૃતિ ‘મેરી ભાવના’ છે. આ કૃતિની રચના મૂળ હિંદી ભાષામાં પ્રસિદ્ધ લેખક વિદ્વાન અને ઇતિહાસ અનુસંધાનવેત્તા શ્રી જુગલકિશોર મુખ્તારે કરી હતી. આ કૃતિમાં ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી આધ્યાત્મિક વિકાસ માટેની વિવિધ ભાવનાઓનું બહુજનસમ્મત, સરળ, સહજ અને પ્રાસાદિક વર્ણન છે. વળી તે સુંદર રીતે સ્વરબદ્ધ થઈ શકે છે. જેથી પ્રાર્થના – ભક્તિભાવના પૂજા માંગલિકમાં તેનો ઉપયોગ થાય છે. આ કૃતિની હિંદી, અંગ્રેજી, મરાઠી, કન્નડ આદિ ભાષાઓમાં મળીને ૫૦ લાખ ઉપરાંત કોપીઓ બહાર પડી છે. જે તેની આત્યંતિક લોકપ્રિયતા અને ઉપયોગિતાનું સૂચક છે.
આ ગ્રંથ-યુગલમાં બીજી મૂળ કૃતિ આચાર્યશ્રી અમિતગતિ કૃત સામાયિક - પાઠ (ધ્યાનની ભાવના) છે. આ કૃતિ ૧૧મી સદીમાં થયેલા માથુરસંઘના મહાન યોગનિષ્ઠ આચાર્યે મૂળ સંસ્કૃતમાં ૩૨ કડીઓમાં રચી છે અને તેનું મૂળ નામ ‘ભાવનાદ્વાત્રિંશતિકા' છે. તે પણ સમસ્ત જૈન સમાજમાં અને યોગસાધકોમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત થઈ છે અને તેની પહેલી કડી તો સમસ્ત ભારતના અનેક સાહિત્યપ્રેમીઓ દ્વારા શુભ ભાવનારૂપે બોલવામાં આવે છે. આ કૃતિનું ગુજરાતી ભાષાંતર ઘણા દાયકાઓ પહેલાં શ્રી સુખલાલ જીવરાજજીએ સુંદર ગેય હરિગીત છંદોમાં કર્યું હતું. અનેક જૈન ભક્તિ-પૂજા-સંગ્રહોમાં પણ તે મૂર્ધન્ય સ્થાન પામેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org