________________
પ્રસ્તાવના
ભારતીય ધર્મ-દર્શનોનું મને પહેલેથી જ ખૂબ આકર્ષણ રહ્યું છે. તેમાં તેમના સિદ્ધાન્તોને જાણવા-સમજવામાં અને એકે બીજા ઉપર પાડેલા પ્રભાવને તારવવામાં મને ઊંડો આનંદ મળતો રહ્યો છે. એક્બીજાના ચિંતનના એક્બીજાએ આપેલા પ્રતિભાવોની પરંપરાથી એકબીજાના થયેલા વિકાસને સમજવાના મારા પ્રયાસે મને અમૂલ્ય પ્રાપ્તિઓ કરાવી છે. દૃષ્ટિના ઉઘાડ માટે અને સમગ્રનું દર્શન ક૨વા માટે એ અત્યંત જરૂરી હતું. કોઈ એક પરંપરાના મૂળ ધર્મગ્રન્થો કે સિદ્ધાન્તગ્રંથોનું હાર્દ સમજવા અન્ય પરંપરાઓના ધર્મગ્રન્થો અને સિદ્ધાન્તગ્રન્થોનો અભ્યાસ અનિવાર્ય છે એ હું સમજ્યો છું. આની કંઈક ઝાંખી પ્રસ્તુત ત્રણ વ્યાખ્યાનોમાં થશે.
પ્રથમ વ્યાખ્યાન જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવનાને રજૂ કરે છે. શ્રદ્ધાની જૈન વિભાવનાને સમજવા ઔપનિષદિક અને બૌદ્ધ પરંપરામાં શ્રદ્ધાનો જે ખ્યાલ છે તેને જાણવો-સમજવો કેટલો જરૂરી છે એનું વિસ્તૃત નિદર્શન કરવામાં આવ્યું છે. બીજા વ્યાખ્યાનમાં જૈન મતે મતિજ્ઞાનનું સ્થિર થયેલું સ્વરૂપ કેવું છે અને તેમાં જૈન ચિંતકોનો જૈન પ્રમાણશાસ્ત્રને ઊભું કરવાનો પ્રયાસ કેવો પ્રગટ થાય છે એ દર્શાવી, મતિજ્ઞાન મૂળે ઔપનિષદિક અને બૌદ્ધ પરંપરામાં સ્વીકૃત દર્શન(શ્રદ્ધા), શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ચાર આધ્યાત્મિક સોપાનોમાંનું ત્રીજું સોપાન મનન જ છે એ હકીકતની સ્થાપના તર્કપુરસર કરવામાં આવી છે. ત્રીજા વ્યાખ્યાનનો વિષય કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એ રાગરહિત વિશુદ્ધ જ્ઞાનમાત્ર છે અને તેના ઉપર જૈનોએ સર્વજ્ઞત્વનો આરોપ કરી કર્મસિદ્ધાન્તને હાનિકર એવા આત્યંતિક નિયતિવાદનો ગર્ભિત રીતે સ્વીકાર કરી લીધો છે એ મહત્ત્વનો મુદ્દો અહીં ચર્ચો છે. ઉપરાંત, સર્વજ્ઞત્વના સ્વીકારમાં રહેલા તાર્કિક દોષોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
આ ત્રણ વ્યાખ્યાનો શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં તેના હસ્તકની શેઠશ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળામાં જાન્યુઆરી ૧૯-૨૧,૨૦૦૦ દિવસોએ આપવાની મને તક મળી તેનો મને આનંદ છે. ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવને મને આ વ્યાખ્યાનો આપવા નિમંત્રણ આપી આ તક મારા માટે ઊભી કરી તે બદલ હું તેનો, તેના નિયામક ડૉ.ભારતીબેન શેલત અને ગુજરાત વિદ્યાસભાના મંત્રી ડૉ. ચિનુભાઈ નાયકનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ૨૩, વાલ્કેશ્વર સોસાયટી નગીન જી. શાહ
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ જાન્યુઆરી ૧૯, ૨૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org