________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
૩૩૫ કહો છો ? જો સંપર્કમાત્રથી પરિગ્રહ કહેશો તો જ્યાં મુનિઓ બેસે, ઉભા રહે, વિહાર કરે ઇત્યાદિ સ્થાનોવાળી પૃથ્વી (ભૂમિ)નો પણ સંપર્ક તો થાય છે. છતાં અપરિગ્રહ જ કહેવાય છે. ત્યાં વ્યભિચાર આવશે. સારાંશ કે જેનો જેનો સંપર્ક માત્ર થાય તેનો પરિગ્રહ કહેવાય તો વિહારાદિમાં મુનિઓને પૃથ્વીનો સંપર્ક થાય છતાં મુનિઓ અપરિગ્રહી જ કહેવાય છે. તેથી શરીરના સંપર્કવાળી પણ અપરિગ્રહ સ્વરૂપ એવી પૃથ્વી આદિ પદાર્થોની સાથે વ્યભિચાર થશે.
હવે “વસ્ત્રોના ઉપભોગને પરિગ્રહ કહેવા રૂપ” બીજો પક્ષ કહેતા હો તો તેઓને વસ્ત્રોનો ઉપભોગ કેમ કરવો પડે છે ? (૧) શું તે સ્ત્રીઓને વસ્ત્રોનો ત્યાગ કરવો અશક્ય છે માટે ઉપભોગ કરે છે ? કે ગુરુજીનો ઉપદેશ છે કે તમારે વસ્ત્ર પહેરવું જ, માટે ઉપભોગ કરે છે ? અશક્યત્યાગ વાળો પ્રથમપક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણકે ઈષ્ટકાર્ય કરવા માટે પ્રાણોનો પણ ત્યાગ કરતી સ્ત્રીઓ આજે પણ દેખાય છે. ઐકાન્તિક અને આત્યંતિક આનંદની સંપત્તિ રૂપ એવા સંયમની અભિલાષિણી તેઓને, બાહ્યવસ્ત્ર પ્રત્યે શું અશક્યત્યાગતા ? અર્થાત્ ઇષ્ટકાર્ય કરવા જો પ્રાણો તજે છે તો સંયમ સાધવા વસ્ત્રો તજવાં તે તો અત્યન્ત સામાન્ય બાબત છે. પ્રાણો તો જીવનની સાથે એકમેક છે. જ્યારે વસ્ત્ર તો માત્ર બાહ્ય પદાર્થ છે. તથા વર્તમાનકાળે પણ કેટલીક નગ્નદશા વાળી યોગિનીઓ દેખાય પણ છે. તેથી વસ્ત્રનો ત્યાગ અશક્ય છે. આ કથન બરાબર નથી.
હવે જો ગુરુ ઉપદેશથી વસ્ત્રનો ઉપભોગ છે. આમ કહો તો તે પક્ષ પણ બુદ્ધિગમ્ય નથી. કારણકે સમસ્ત જીવોનું હિત કરનારા, સમસ્ત વસ્તુને જોનારા એવા પરમગુરુ શ્રીવીતરાગભગવંતો વડે મુમુક્ષુ એવી મનોહર નેત્રવાળી સ્ત્રીઓને જે જે સંયમમાં ઉપકારી વસ્ત્રો હોય તેવાં જ વસ્ત્રોનું ઉપકરણપણે જણાવ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે“નિર્ઝેન્થિનીઓએ અચેલક થવું કહ્યું નહીં” ઈત્યાદિ સૂત્રપાઠમાં સર્વથા વસ્ત્રરહિત કે બાધક વસ્ત્રો પહેરવાનો જ નિષેધ કરેલો છે. પરંતુ જે જે વાસના-વિકાર અને મોહના ભાવો રોકવામાં તથા સંયમ પાળવામાં ઉપકારી હોય તે તે વસ્તુઓને ઉપકરણ રૂપ જણાવી છે. જેમકે પ્રતિલેખન (પ્રમાર્જના કરવાના સાધનભૂત મોરપીંછી) અને કમંડલ (શરીરશુદ્ધિ સારું પાણી લઇ જવાનું સાધન) વગેરે. આ રીતે મોરપીંછી અને કમંડળ વગેરે પદાર્થોની જેમ વસ્ત્ર પણ સંયમમાં ઉપકારી છે તેથી તે ઉપકરણરૂપ છે. તો તેનો ઉપયોગ કરવાથી પરિગ્રહતા કેમ આવે ? અને જો વસ્ત્રોનો ઉપયોગ કરવા માત્રથી તેને પરિગ્રહતા આવે એમ કહેશો તો પ્રતિલેખન (મોરપીંછી) અને કમંડલ આદિ ધર્મનાં તમામ ઉપકરણોને પણ પરિગ્રહરૂપતા થવાનો પ્રસંગ આવશે. શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org