________________
વડોદરામાં તાવ
ત્યાર પછી શ્રી કાન્તિવિજયજીનું ચાતુર્માસ વડોદરામાં નક્કી થયું. એટલે પંડિતજી એ ચાતુર્માસ દરમિયાન વડોદરા ગયા. ત્યાં મુનિ શ્રી જિનવિજ્યજી પણ હતા. પરંતુ આ વખતે પંડિતજીએ ત્યાં ફકત મુનિ શ્રી પુણ્યવિજયજીને ભણાવવાનું હતું. એટલે ફાજલ સમય ત્યાં ઘણો મળતો હતો. પંડિતજી વડોદરામાં બધે ફર્યા અને ગાયકવાડી રાજ્યના એ મુખ્ય શહેરનાં જોવા જેવાં સ્થળોની મુલાકાત લીધી.
વડોદરામાં ગાયકવાડ સરકારે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. એના ત્યારે ડાયરેક્ટર ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ હતા. તેઓ “સી.ડી.” તરીકે વધુ જાણીતા હતા. તેઓ પ્રાચીન હસ્તપ્રતોને આધારે સંશોધન – સંપાદનનું કાર્ય કરતા હતા. પાટણ ગાયકવાડી રાજ્યનું નગર હતું. એટલે સંશોધન કાર્ય માટે પાટણથી હસ્તપ્રતો વગેરે સારી સામગ્રી મળી રહેતી. એમણે “ગુર્જર રાસાવલી' નામની ગ્રંથમાળા પણ પ્રકાશિત કરવી ચાલુ કરી હતી. પંડિતજીને સી. ડી. દલાલનો પરિચય થયો. વારંવાર પરસ્પર જ્ઞાનગોષ્ઠી પણ થતી. સી.ડી. દલાલ ત્યારે રાષ્ટ્રૌઢવંશ મહાકાવ્ય', નરનારાયણ કાવ્ય.” “કાવ્યમીમાંસા' વગેરે ગ્રંથોનું સંપાદન કરતા હતા. એની હસ્તપ્રતોમાં સંસ્કૃતમાં
જ્યાં અશુદ્ધ પાઠ હોય ત્યાં પંડિતજી તે શુદ્ધ કરી આપતા. આથી સી.ડી. દલાલે પ્રસ્તાવ મૂક્યો કે પંડિતજી જેવા બૌદ્ધ દર્શનના જાણકાર બૌદ્ધ તત્ત્વવેત્તા શાંતરક્ષિતના દુર્લભ ગ્રંથ “તત્ત્વસંગ્રહનું જો સંશોધન – સંપાદન કરી આપે તો પોતાની શ્રેણીમાં તેઓ પ્રકાશિત કરવા તત્પર છે. પરંતુ એ વખતે પંડિતજીનું મન અધ્યયન – અધ્યાપનમાં જેટલું લાગેલું હતું તેટલું સંશોધન – સંપાદનમાં લાગ્યું નહોતું. એટલે એમણે સી. ડી. દલાલની એ વાત સ્વીકારી નહિ. જોકે પંડિતજીને પાછળથી લાગેલું કે જીવનની આ એક ઉમદા તક પોતે ગુમાવી દીધી હતી. ગાયકવાડી રાજ્ય હતું એટલે મરાઠી ભાષાને પણ વડોદરામાં સ્થાન હતું. પંડિતજી લોકમાન્ય ટિળકના મરાઠીમાં લખાયેલા ગીતારહસ્ય' નામના ગ્રંથથી સુપરિચિત હતા. અહીં એમણે મરાઠી ભાષામાં મહાન સ્ત્રી-કેળવણીકાર મહર્ષિ કર્વેની આત્મકથા વાંચવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પોતે સંસ્કૃત – પ્રાકૃતના જાણકાર એટલે મરાઠી વાંચવામાં એમને એટલી અગવડ લાગી નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org