________________
કેસરિયાજીની યાત્રા - ૭૭ યાત્રીઓને ઈજા થઈ નહિ, પણ બળદનો પગ ભાંગવાની ઘટનાથી પંડિતજીને દુ:ખ થયું. બધાંએ બળદને ઊભો કરી જેમ તેમ કરીને કેસરિયા સુધી પહોંચાડ્યો.
સંઘ કેસરિયાજી પહોંચ્યો. પંડિતજીએ કેસરિયાજીની યાત્રા આ પહેલી વાર જ કરી. કેસરિયાજી જૈનોનું મોટું તીર્થ છે. ઘણા જૈનેતરો, વિશેષતઃ એ વિસ્તારના ભીલો પણ એ તીર્થમાં શ્રદ્ધા ધરાવે છે. કેટલાયે લોકો ત્યાં કેસર ચડાવે છે. એટલે ત્યાંના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન ‘કેસરિયાજી દાદા’તરીકે ઓળખાય છે. કેસરિયાજીની યાત્રા કરવાની પોતાને તક મળી એથી પંડિતજીને ઘણો આનંદ થયો.
કેસરિયાથી નીકળી પંડિતજી પગપાળા ઉદયપુર પહોંચ્યા. રસ્તામાં આવતાં નિર્જન જૈન મંદિરો પરથી એક કાળે મેવાડમાં જૈનોની કેવી જાહોજલાલી હશે તેનું અનુમાન થયું. ઉદયપુરથી પંડિતજી ટ્રેનમાં બેસી અમદાવાદ આવી પહોંચ્યા.
અમદાવાદ આવીને પંડિતજીએ કર્મગ્રંથનો સટીક અભ્યાસ કરી લેવાનું વિચાર્યું. કર્મગ્રંથના પહેલા અને બીજા ભાગનો એમણે અભ્યાસ કરી લીધો હતો. દરમિયાન એમણે ‘કર્મપ્રકૃતિ’નું વાચન પણ ચાલુ કરી દીધું. જૈન પરંપરામાં ‘કર્મપ્રકૃતિ' (કમ્મપયડી) એ ઘણો કઠિન અને અંતિમ પ્રમાણરૂપ ગ્રંથ ગણાય છે. સંસ્કૃત ભાષા અને ન્યાયદર્શનનો જેમણે બરાબર અભ્યાસ કર્યો હોય એવી વ્યક્તિને આ ગ્રંથ અન્ય લોકો કરતાં વધુ સ્પષ્ટતાથી સમજાય એવો છે. કેટલાક દાર્શનિક પ્રશ્નોનો ખુલાસો એમાંથી મળી રહે છે. પંડિતજી અમદાવાદમાં ઝવેરીવાડમાં વિદ્યાશાળાના મકાનમાં રહીને અભ્યાસ કરતા હતા. તેઓ ‘મલયગિરિ'ની અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની સંસ્કૃત ટીકા સાથે એ ગ્રંથ વાંચતા હતા. પંડિતજી ન્યાયદર્શનના જાણકાર હતા, છતાં કોઈ શંકા થાય તો પોતાના મિત્ર પંડિત હીરાચંદ દેવચંદ એમને મદદરૂપ થતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org