________________
પંડિતજીનું સાહિત્ય ૦ ૧૨૩ છે. આવું લેખન કરવા માટે લેખકની પોતાની સજ્જતા ઘણી બધી હોવી જોઈએ અને એમનું શાસ્ત્રીય અધ્યયન ઊંડું હોવું જોઈએ, જે પંડિતજીમાં આપણને સુપેરે જોવા મળે છે.
અમદાવાદમાં સ્થિરવાસ કર્યો તે પછી પંડિતજીએ જે જે વ્યાખ્યાનો આપ્યાં તે ત્રણ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં છે. એમાં અધ્યાત્મવિચારણા'નાં ત્રણ વ્યાખ્યાનોમાં આત્મા, પરમાત્મા અને સાધના વિશે પંડિતજીએ પોતાનું ચિંતન રજૂ કર્યું છે. એમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે દર્શનોમાં આત્મતત્ત્વની અને પરમાત્મતત્ત્વની વિચારણા કેવી રીતે થઈ છે એના તુલનાત્મક અધ્યયનનો નિચોડ પ્રાપ્ત થાય છે. ભારતીય તત્ત્વવિદ્યા’નાં પાંચ વ્યાખ્યાનોમાં જીવ, જગત અને ઈશ્વર વિશેની ભારતીય દર્શનોની વિભાવનાનું તુલનાત્મક અધ્યયન આપણને સાંપડે છે. ‘સમદર્શી આચાર્ય હિરભદ્ર'માં મહાન દાર્શનિક અને તત્ત્વવેત્તા શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથોની વિશદ સમાલોચના સાથે તાત્ત્વિક ગવેષણા છે.
પંડિતજીએ આરંભ કાળથી ૧૯૫૬ સુધીમાં વખતોવખત લખેલા લેખો, પ્રસ્તાવનાઓ ઇત્યાદિનો સંગ્રહ એમના રાષ્ટ્રિય સ્તરે મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હોલમાં થયેલા સન્માન પ્રસંગે પ્રગટ કરવાનો નિર્ણય થયો હતો. તે અનુસાર એમના જે લેખો ગુજરાતીમાં લખાયેલા હતા તેના બે દળદાર ગ્રંથો થયા. પંદરસૌથી અધિક પૃષ્ઠમાં પથરાયેલા આ લેખોનું વર્ગીકરણ, સમાજ અને ધર્મ, જૈન ધર્મ અને દર્શન, દર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા, આત્મનિવેદન વગેરે શીર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. આ અંગે પંડિત સુખલાલજીએ ૧૯૫૪માં લખ્યું હતું કે ‘૧૯૧૪થી આજ લગીની મારી પ્રવૃત્તિ અધ્યયન, સંશોધન, લેખન, સંપાદન, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશાઓમાં વહેંચાયેલી રહી છે. અલબત્ત, એ દીર્ઘકાલીન શાસ્ત્રીય અને વ્યવહારકાર્યના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તો ઉત્કટ જિજ્ઞાસા અને સત્યશોધનની વૃત્તિ જ રહેલી છે. એણે જ મને અનેક સત્પુરુષોની ભેટ કરાવી. એણે જ મને પંથ કે ફિરકાના સાંકડા વર્તુળમાંથી બહાર કાઢ્યો. એણે જ મને અનેકવિધ પુસ્તકોના ગંજમાં ગરક કર્યો. એણે જ મને અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેર્યો. એણે જ મને અગવડનું ભાન કદી થવા ન દીધું. એણે જ મને સહૃદય, ઉદાર અને વિદ્વાન મિત્રો મેળવી આપ્યા, એણે જ મને વિદ્યાકેન્દ્રોની યાત્રા કરાવી, વિશેષ તો શું. એણે જ મને વૃદ્ધત્વમાં યૌવન આપ્યું છે.’
‘દર્શન અને ચિંતન’ના ‘સમાજ અને ધર્મ’ વિભાગમાં ધર્મ ક્યાં છે ?” ધર્મ અને પંથ’, ‘ધાર્મિક શિક્ષણ’, ‘ધર્મદૃષ્ટિનું ઊર્મીકરણ’, ‘સ્વરાજ્ય અને સુરાજ્ય’, ‘લોકતંત્રોનો મુખ્ય પાયો' ઇત્યાદિ લેખોનાં શીર્ષકો જ દર્શાવે છે કે એમાં ભિન્ન ભિન્ન સમયે પ્રબુદ્ધ જીવન’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘પ્રસ્થાન’, અખંડ આનંદ' ઇત્યાદિ સામયિકોમાં લખેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org