SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વમિત્ર ગૃહસ્થ સંત • ૪૯ લોકોને સાચું માર્ગદર્શન આપ્યું હોય. ગાંધીજી એવા અંતિમ મહાપુરુષ થઈ ગયા. તેમણે જે ગૃહસ્થ-સંન્યાસી કે ગૃહસ્થ-સંતનો પદાર્થપાઠ પોતાના જીવનથી આપ્યો તેને પચાવનાર એક નાનકડું પણ સમર્થ મંડળ દેશમાં તૈયાર થયું. એ મંડળમાં શ્રી કિશોરલાલ મશરૂવાળાનું સ્થાન મુખ્ય અને ઊંચું છે. તેઓ આખું જીવન રહ્યા તો ગૃહસ્થ, પણ સાથે સાથે એ જીવન સંન્યાસનું જ વિતાવ્યું. તેમણે ગૃહસ્થનાં યોગ્ય કર્તવ્યો પ્રત્યે ક્યારે પણ ઉપેક્ષા ન સેવી અને સંન્યાસના ખરા અર્થને જીવનમાં મૂર્ત કર્યો. ગીતાના તાત્પર્ય વિષે અનેક પક્ષો પ્રવર્તે છે. કોઈ જ્ઞાનમાં, તો કોઈ ભક્તિમાં, તો કોઈ કર્મમાં ને કોઈ ધ્યાનમાં – એમ એનું તાત્પર્ય વર્ણવે છે. શ્રી કિશોરલાલભાઈના જીવનમાં આપણે એ બધાં તાત્પર્યોનો સુમેળ પૂર્ણપણે જોયો છે. તેઓ એક ક્ષણ પણ આવશ્યક અને યોગ્ય કર્મ વિના રહ્યા હોય એવું કોઈએ જોયું, જાણ્યું નથી. એમના પ્રત્યેક કર્મમાં જ્ઞાનયોગ કેટલો હતો એ તો એમનાં લખાણો જ કહી દે છે. વિચાર અને તદનુસારી આચાર પ્રત્યે તેમની જે નિષ્ઠા હતી અને જે એકાગ્રતા હતી તેનો જોટો ભાગ્યે જ જોવામાં આવે છે. ગીતામંથનમાં તો તેમણે ગીતાનો અર્થ રજૂ કર્યો છે, પણ તેમનું પોતાનું સ્વતંત્ર જીવન-દર્શન તો “ગીતા-મંથન”ના ઉપોદઘાતમાં જોવા મળે છે. તેમણે જે જે લખ્યું છે તે માત્ર લખવા ખાતર કે બીજાને ઉપદેશવા ખાતર નહીં, પણ જે પોતે જીવનમાં ઉતાર્યું – પચાવ્યું તે રજૂ કરવા ખાતર. આ બાબતમાં તેઓ ગાંધીજીના જીવનપથને પૂર્ણપણે અનુસર્યા છે. તેમણે એ રીતે અનાસક્ત કર્મયોગ જીવી બતાવ્યો છે. કિશોરલાલભાઈએ કયા વિષય ઉપર નથી લખ્યું એ જ શોધવું પડે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, તાત્ત્વિક, આધ્યાત્મિક આદિ અનેક વિષયો ઉપર તેમણે છૂટથી લખ્યું છે અને તેથી જ તેમનાં પુસ્તકોની સંખ્યા પણ ઠીક ઠીક કહી શકાય એવડી મોટી છે. તેઓ ગુજરાતી, હિંદી, મરાઠી અને અંગ્રેજી એ ચારે ભાષામાં છૂટથી લખતા અને ગાંધીજીના વરદ હસ્તે શરૂ થયેલ અને અનેક ભાષામાં પ્રસિદ્ધ થતાં “હરિજન' પત્રોનું તંત્રીપદ સંભાળતા. તેમની સામે પરસ્પર વિરોધી એવા અનેક વાદોના પ્રશ્નો આવે, અનેક પક્ષોના પ્રશ્નો ઉપસ્થિત થાય, દેશ-પરદેશને લગતા સવાલો ચર્ચવાના આવે, આર્થિક અને ઔદ્યોગિક પ્રશ્નો બાબત પણ માર્ગદર્શન આપવાનું પ્રાપ્ત થાય – આ બધાં કામને તેઓ પથારીવશ જેવા છતાં પૂર્ણપણે છેવટ સુધી ન્યાય આપી શકતા તેનું મુખ્ય કારણ તેમની સત્ય અને અહિંસાની સતત ઉપાસના હતી. ગમે તેવા મોટા મનાતા રાજપુરુષ કે સંન્યાસીને સુધ્ધાં સ્પષ્ટ સત્ય કહેવામાં તેઓ લેશ પણ સંકોચાતા નહીં, અને નિર્ભય કથન કરવા છતાં કોઈ દુભાય એવું વચન પણ ઉચ્ચારતા નહીં. જેમને જેમને એમનું કથન રુચતું નહીં તેઓ પણ એકસ્વરે તેમની તટસ્થતા અને માયાળુતાની મુક્તકંઠે પ્રશંસા જ કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy