________________
૪૨ • અર્થ
કિશોરલાલભાઈ જેવું માતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમજ અંગ્રેજીમાં લખે છે. આજે તો હરિજન, હરિજનબંધુ, હરિજનસેવક'એ બધાંમાં એમનો જ પ્રાણ ધબકે છે. દેશ-વિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઇચ્છનાર તેમની કાર્યપદ્ધતિ વિશે ઊભા થતા નવા નવા પ્રશ્નોનો ખુલાસો મેળવવા ઇચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમનો સૌથી મોટો અને વિરલ ગુણ એ તટસ્થતાનો છે. જેટલી એમનામાં તટસ્થતા છે તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે. તેમની એક કૃતિ “સમૂળી ક્રાંતિ બદલ તેમને પુરસ્કારવા અને સત્કારવાનો જે નિર્ણય ગુજરાત વિદ્યાસભાએ કર્યો છે એમાં ખરી રીતે એ સભાના ધ્યેયનો જ પુરસ્કાર, સત્કાર અને એનું જ ગૌરવ છે.
હવે કાંઈક “સમૂળી ક્રાંતિ વિશે. સમૂળી ક્રાંતિ ૧૯૪૮ માર્ચમાં પ્રસિદ્ધ થઈ, ત્યારબાદ અત્યાર લગીમાં એના ઉપર આવેલી ચાર સમાલોચનાઓ મારા જોવામાં આવી છે, “બુદ્ધિપ્રકાશમાં ચુનીભાઈની, ઊર્મિમાં પ્રો. અનંતરાયની, માનસીમાં અંબાલાલ પુરાણીની અને પ્રસ્થાનમાં રસિકલાલ વકીલની.
પહેલી બે “સમૂળી ક્રાંતિને યથાર્થ રીતે “સમૂળી ક્રાંતિ' તરીકે વર્ણવે છે. અને સચોટપણે એનું મૌલિકત્વ દર્શાવે છે. અમુક વિધાનોમાં થોડો મતભેદ કે સંદેહ હોય તો એ સમાલોચનાઓ “સમૂળી ક્રાંતિને એક વિરલ કૃતિ તરીકે સ્થાપે છે, જ્યારે શ્રી પુરાણીની સમાલોચના સાવ જુદી બાજુ રજૂ કરે છે, એ એને સમૂળી તો શું પણ ક્રાંતિ સુધ્ધાં માનવા તૈયાર નથી. આવો છેક સામા પાટલાનો વિરોધ જોઈ હું શ્રી પુરાણીની સમાલોચના બે વાર સાંભળી ગયો. સંભવ છે કે એને સમજવા પૂરતો મારો અધિકાર ન લેખાય, પણ મને લાગે છે કે એ સમાલોચના નથી સમ્યફ આલોચના કે નથી સંગત આલોચના. પણ એ આલોચના પરથી હું અનુમાન ઉપર આવ્યો છું કે એ “સમૂળી ક્રાંતિનું યથાર્થપણું સાબિત કરે છે. “સમૂળી ક્રાંતિમાં જે અનેક વિધાનો છે તેને લીધે કોઈ એક જ જાતના વર્ગ ઉપર અસર નથી થતી. શિક્ષિત ગણાતા, સાધક મનાતા એવા વર્ગની માન્યતાઓને પણ આઘાત પહોંચાડે છે. એટલે એવા જ કોઈ આઘાતનું પરિણામ એ સમાલોચના હોય તો નવાઈ નહીં. અને એમ હોય તો એ ક્રાંતિ જ છે.
ચોથી સમાલોચના તે વિશેષ વિશ્લેષણ અને ઊહાપોપ્રધાન છે. તે “સમૂળી ક્રાંતિના મુખ્ય બધા જ ભાગોને સ્પર્શે છે, અને છૂટથી લેખકનાં અવતરણો ટાંકી તેના ગુણદોષના બળાબળની સમીક્ષા કરે છે. સમાલોચક શ્રી વકીલ માકર્સના સામ્યવાદનું દૃષ્ટિબિંદુ ધરાવે છે, એટલે સ્વાભાવિક રીતે જ સમાલોચનામાં દૃષ્ટિબિંદુની પ્રધાનતા આવે અને જ્યાં સામ્યવાદના મૂળ પાયારૂપ આર્થિક વ્યવસ્થા કિશોરલાલભાઈના ચારિત્ર્યપ્રધાન પ્રતિપાદનો સામે ગૌણ થતી દેખાય ત્યાં તેઓ પોતાની દૃષ્ટિની સયુક્તિક રજૂઆત કરે છે, એટલે એ સમાલોચના વાચકને રસ પ્રેરનારી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org