________________
વિભૂતિ વિનોબા - ૨૯ જે પોતાની જાતને ભૂલી જાય છે તે સ્વતસિદ્ધ અમરપણાને વીસરી વિનાશી અને મર્ય વસ્તુને અમર માની પોતે દુઃખી થાય છે ને બીજાને દુઃખ ઉપજાવવામાં નિમિત્ત પણ બને છે. બુદ્ધ તૃષ્ણાત્યાગની વાત કહી, અગાર (ઘર) છોડી અનગાર બનવાની હાકલ કરી ત્યારે એક ઘર, બાહ્ય વસ્તુ, કુટુંબ અને સમાજ એ બધાનું મૂલ્ય નથી જ આંકતા એમ માનવું તે બુદ્ધને પોતાને અને તેના ધર્મને અન્યાય કરવા બરાબર છે. બુદ્ધનું તાત્પર્ય એટલું જ છે કે અંગત સુખની લાલસામાં ઈતરના સુખદુઃખની પરવા જ ન કરવી અને અંગત મમતા પોષવી એ વ્યક્તિ તેમજ સમાજ માટે બંધનરૂપ છે. મહાવીરે પરિગ્રહત્યાગની વાત કહી ત્યારે પણ તેઓ એટલું તો જાણે જ છે કે વૈયક્તિક અને સામૂહિક જીવનમાં ધનધાન્ય જેવી બાહ્ય વસ્તુઓનું પણ સ્થાન છે જ. તેમ છતાં જ્યારે તેઓ સુધ્ધાં અનગારપદની વાત કરે છે ત્યારે કોઈપણ જાતના અંગત પરિગ્રહમાં બંધાવાનો જ નિષેધ કરે છે. સાચો ત્યાગી અને સાચો વિચારક હોય છે એટલું તો જાણે જ કે કોઈપણ વ્યક્તિનું જીવન ભોજન, આશ્રય અને બીજી એવી જરૂરી વસ્તુઓ વિના કદી ચાલી શકે જ નહિ. એટલું જ નહિ પણ સ્થળ અને જડ કહેવાતી બાહ્ય સામગ્રીની ઉચિત મદદ વિના જીવનનું ઊર્ધીકરણ પણ શક્ય નથી. આ રીતે જોતાં બધી જ પરંપરાના મુખ્ય પ્રવર્તકોનો સૂર મમતાત્યાગનો છે; એટલે કે અંગત અને વૈયક્તિક મર્યાદિત મમતાને વિસ્તારી એ મમતાને સાર્વજનિક કરવાનો છે. સાર્વજનિક મમતા એટલે બીજા સાથે અભેદ સાધવો કે આત્મૌપમ્ય સાધવું તે. એનું જ બીજું નામ સમતા છે. મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપ ઓળખાય છે. બંનેના મૂળમાં પ્રેમતત્ત્વ છે. એ પ્રેમ સંકીર્ણ અને સંકીર્ણતર હોય ત્યારે તે મમતા અને એ નિબંધન વિકસે ત્યારે તે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે.
મમતાનો ત્યાગ એ શ્રેય માટે આવશ્યક હોવા છતાં જો તે સમાજનાં વિવિધ અંગોમાં સમતાને મૂર્ત કરવામાં પરિણામ ન પામે તો અંતે એવો ત્યાગ પણ વિકૃત બની જાય છે. પરિગ્રહત્યાગની ભૂમિકા ઉપર જ સંન્યાસીસંઘ અને અનગારસંઘો અસ્તિત્વમાં આવ્યા. એના ત્યાગને લીધે જ અશોક જેવા ધર્મરાજે સાર્વજનિક હિતનાં કામો કર્યા. એવા ત્યાગમાંથી જ દાનદક્ષિણા જેવા અનેક ધર્મો વિકસ્યા. કવિ કાલિદાસે જેમાં સર્વસ્વ દક્ષિણારૂપે અપાય છે એવો યજ્ઞ રઘુને હાથે કરાવ્યો અને માત્ર માટીનું પાત્ર જ હાથમાં બાકી રહ્યું હોય એવા રઘુને રઘુવંશમાં વર્ણવી ગુપ્તકાલીન દાન-દક્ષિણા ધર્મનું મહત્ત્વ સૂચવ્યું. હર્ષવર્ધને તો એકત્ર થયેલ ખજાનાને દર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કર્ણનું ધનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ-પંથના મઠો, વિહારો, મંદિરો અને વિદ્યાધામો જ નહિ પણ સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં અગાર છોડી અનગાર થયેલ ભિક્ષુ કે પરિવ્રાજકોની સંપૂર્ણ જીવનયાત્રા એ બધું પરિગ્રહત્યાગ અને દાનધર્મને જ આભારી રહ્યું છે. તેની સાક્ષી રૂપે અનેક દાનપત્રો, અનેક પ્રશસ્તિઓ આપણી સામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org