________________
બને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ • ૨૫ ગાંધીજી ગુરુત્વાકર્ષણના નિયમ જેવા હતા. તેમણે આખું જીવન પરસ્પર વિરોધી એવાં વિવિધ બળોને એક જ ઉદ્દેશની સિદ્ધિ માટે સાંકળી રાખવામાં અસાધારણ સફળતા મેળવી છે. રાજાઓ, મઠધારીઓ, મૂડીવાદીઓ, અને ઉચ્ચત્વાભિમાની વર્ગ ઉપર સામ્યવાદનું જે સંહારકારી મોજું વેગપૂર્વક આવી રહ્યું હતું તેને અહિંસાના પૂર દ્વારા નિવારવા અને એ મોજાનું પ્રાણદાયક તત્ત્વ માત્ર પ્રતિષ્ઠિત કરવા ગાંધીજીએ પોતાની કાર્યસાધના દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યો. તેઓ સૌનો નિર્ભય બનાવવા જ મથતા અને જે જે ભયનાં કારણો જે જે વર્ગ સેવતો હોય તે તે વર્ગને તે ભયનાં કારણો જ ફેંકી દેવા સમજાવતા. રાજાઓને ટ્રસ્ટી થઈ રાજ્ય કરવા કહેતા, તો મૂડીવાદી તથા ઉદ્યોગપતિઓને પણ ટ્રસ્ટી થઈ લોકહિત અર્થે ઉદ્યોગધંધો વિકસાવવા કહેતા. દરેક ધર્મપંથના દીવામાં તેજ ન હતું, કારણ કે તેમાં તેલ અને બત્તી જ ખૂટી ગયાં હતાં. ગાંધીજીએ પોતાના આચરણ દ્વારા દરેક ધર્મપંથના દીવામાં તેલ-બત્તી પૂરવાનું કામ કર્યું અને સમજદાર દરેક ધાર્મિક એમ માનતો થયો કે અમારો પંથ પણ સજીવ છે અને તેમાં પણ કાંઈક રહસ્ય છે. સવર્ણો જાતિગત ઉચ્ચતાના અભિમાનને લીધે અંદરોઅંદર ન સાંધી શકાય એવા ખંડોમાં વહેંચાઈ ગયા હતા, અને દલિતવર્ગ તો માનવતાની કોટિમાં રહ્યો જ ન હતો. ગાંધીજીએ વર્ણ-ધર્મ એવો આચર્યો કે જેથી એક બાજુ સવર્ણાભિમાનીઓનું ઉચ્ચત્વાભિમાન સ્વયમેવ ગળવા લાગ્યું અને બીજી બાજુ દલિતવર્ગની લોહી સાથે એકરસ થઈ ગયેલ દૈન્યનવૃત્તિ નિર્મળ થતી ચાલી. એક તરફથી ઊર્ધ્વરોહણ અને બીજી તરફથી નિમ્નારોહણ એ બંને ક્રિયાએ દેશમાં વર્ણધર્મને નવું સ્વરૂપ આપ્યું. જે જાતિગત ઉચ્ચનીચભાવનું હજારો વર્ષ થયાં જડ ઘાલી બેઠેલ વિષવૃક્ષ બુદ્ધ, મહાવીર, કબીર, નાનક કે દયાનંદ આદિ દ્વારા નિર્મૂળ થઈ શક્યું ન હતું તેનાં મૂળ ગાંધીજીએ હચમચાવી મૂકયાં અને તેના પરિપાકરૂપે એકવાર અસ્તિત્વમાં આવેલ અસ્પૃશ્યતા હવે તો છેલ્લા શ્વાસ જ લઈ રહી છે. હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ જેટલાં જૂનાં તેટલાં જ તે ભવ્ય ગણાય છે. પણ તેનું અસ્પૃશ્યતાકલંક પણ તેટલું જ જૂનું અને તેટલું જ અભવ્ય છે. આ કલંક હોય ત્યાં લગી હિંદુ ધર્મને ધર્મ કહેવો અગર હિંદુ સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવી એ માત્ર ભાષાવિલાસ છે એમ સમજી ગાંધીજીએ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિને નિષ્કલંક બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો. અને તે પણ પોતાની અહિંસાવૃત્તિથી. તેમનું આ કામ એવું છે કે દુનિયાના દરેક ભાગમાં તે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને ભવ્યતા અપાવી શકે, અને હિંદુ કહેવડાવનાર દરેક જણને જે નીચું જોવાપણું હતું તે દૂર કરી તેને માથું ઊંચું રાખવાની હિંમત આપી શકે. આજે જેઓ પોતાના કટ્ટરપણાને લીધે અસ્પૃશ્યતા – નિવારણમાં આડે આવી રહ્યાં છે તેઓ પોતાની નવી પેઢી અને દુનિયાના ટીકાકારોને હિંદુ ધર્મના અસ્પૃશ્યતાના લાંછન વિશે જો કાંઈ પણ
સાચો જવાબ આપવા તૈયાર થશે તો તેમને ગાંધીજીનું શરણ લીધે જ છૂટકો છે. તેઓને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org