________________
?
શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી • ૧૬૧ અંગ છે. અને કોઈપણ ખરો ઐતિહાસિક એ ન જાણે તો એનું કામ લંગડું જ રહે. એ જ રીતે નકલો કરવાનું અને સુંદરતમ અક્ષરોમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે એટલું જ આવશ્યક છે. સ્વ. મુનિશ્રીએ એ બંને કળાઓ અસાધારણ રીતે સાધેલી. ઈ.સ. ૧૯૨૧થી ૧૯૩૫ સુધીમાં મને અનેક ગ્રંથોના સંશોધન પ્રસંગે, તેમની આ બંને કળાઓની કિંમત આંકવાની તક મળી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાર્થી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શીખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થોને હું જાણું છું કે જેઓ આજે કાં તો ઐતિહાસિક સેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તો નિર્વાહ અર્થે એ કળાનો ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે. મેં બે-ચાર યોગ્ય વિદ્યાર્થીઓને એમની પાસે પ્રતિવાચન અને પ્રતિલેખનની કળા શીખવા મોકલેલ અને તેમણે ખૂબ પૈર્યપૂર્વક એ આગંતુકોને એ વસ્તુ શિખવાડેલી.
સ્વ. મુનિશ્રી, પ્રવર્તક ક્રાંતિવિજયજીની ભંડારસુધાર અને ભંડારસુધારણાની ભાવનાને મૂર્ત રૂપ આપનાર મૂંગા સેવક હતા. વિશેષમાં પોતાની બધી આવડતનો યોગ્ય પાત્રમાં તેઓ અમર કરી ગયા છે. એ વાત જેઓ મુનિશ્રી પુણ્યવિજયજીને જાણે છે અને જેઓને તેમનાં જીવિત કાર્યોનો પરિચય છે તેમને કહેવાની ભાગ્યે જ જરૂર જણાય.
સ્વ. મુનિશ્રીમાં એક વિદ્વાનને છાજે અને ઐતિહાસિકને શોભે એવી અનેક બાબતો પરત્વે જીવતી જાગતી માહિતી તેમજ ચોકસાઈ હતી. અમુક ગ્રંથકારની કૃતિઓ આજે કેટલી અને કઈ કઈ ઉપલબ્ધ છે અને તે ક્યાં ક્યાં છે, અમુક ગ્રંથકારનો સમય શો અને એક જ નામના અનેક ગ્રંથકારો હોય ત્યાં તેમની વિશેષતા શી, અગર ઓળખ શી, કોઈ સ્ત્રી અગર સાધ્વી જૈન પરંપરામાં ગ્રંથકાર કે ગ્રંથ-લેખિકા થઈ છે કે નહિ, અમુક રાજ્યકર્તાના સમયમાં જૈન સાધુ કે શ્રાવકની સ્થિતિ શી હતી, જૂના વખતમાં તાડપત્રો કયાંથી આવતાં, કેમ સુધરતાં, કેમ લખાનાં, લખનારાઓની સ્થિતિ શી હતી વગેરે અનેક પ્રશ્નો વિષે ઉક્ત સ્વ. મુનિશ્રી એક પ્રમાણભૂત ગ્રંથ જેવા હતા.
એમનો સ્વર્ગવાસ ગુજરાતની અને જૈન સાહિત્યની રાજધાની પાટણ કે જ્યાં એમનું દીર્ઘકાળ જીવનકાર્ય ચાલી રહ્યું હતું ત્યાં ડિસેમ્બરની પહેલી તારીખે રાત્રિના થયો. પાટણના સંખ્યાબંધ ભંડારો, પ્રાચીન મંદિરો ત્યાંનું વિવિધ શિલ્પ, પાટણની ચડતીપડતીના પ્રસંગો, એ બધા વિષે એમનું વિપુલ જ્ઞાન હતું તે તેમનાથી પરિચિત એવા કોઈથી ભાગ્યે જ અજાણ્યું છે. તેઓશ્રી એ રીતે પોતાનું જીવનકાર્ય ઠેઠ પાકી ઉંમર સુધી કરી ગયા છે. અને બીજી રીતે તે પોતાની આવડતને વ્યાજ સાથે યોગ્ય પાત્રમાં મૂકી પણ ગયા છે. ઉંમરની દૃષ્ટિએ તેમનો સ્વર્ગવાસ એટલો અકાળ ન ગણાય, પરંતુ તેમના અતિવયોવૃદ્ધ ગુરુશ્રી પ્રવર્તકજીના વૃદ્ધતમ જીવનની દૃષ્ટિએ જોતાં એમ જરૂર મનમાં થઈ આવે કે સ્વર્ગવાસી મુનિનું સ્થળ જીવન થોડુંક વધારે ચાલ્યું હોત તો સારું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org