________________
બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો • ૧૫૧ (૬) આ બધાં કામોને પહોંચી વળવા યોગ્ય સાથીઓને મેળવવા અને તેમને અનુકૂળ કરી સ્થિર કરવા.
(૭) ગચ્છ કે પંથનો ભેદ રાખ્યા વિના જે સાધુ કે સાધ્વી આગરા આવી અધ્યયન કરવા ઇચ્છે તેમને શીખવવું, વગેરે વગેરે.
આ કામોને હું એકલો પહોંચી શકે તેમ હતું જ નહીં. કાશીવાળા મારા સહચારી મિત્રો જુદા પડી ગયા હતા. બાબુજીના અદમ્ય ઉત્સાહ ને વ્યવહારુ ડહાપણને લીધે હું પણ કદી નિરાશ ન થતો. આ જ અરસામાં મેં આગરામાં રોશન મહોલ્લામાં એક નાનકડું મંડળ ઊભું કર્યું એમાં દશેક વિદ્યાર્થીઓ અને બે-ત્રણ કન્યાઓ ઉપરાંત એક પ્રૌઢ બહેન પણ હતાં. સેવાગ્રામમાં રહેતા શ્રી ચિમનભાઈ, જે ગાંધીજીના પૂરા વિશ્વાસપાત્ર છે તે, આ જ અરસામાં અમારી સાથે મંડળમાં આવી જોડાયા. આ જ અરસામાં અમદાવાદ સત્યાગ્રહ આશ્રમમાં રહેલા શ્રી. રમણિકલાલ મોદી એમનાં પત્ની સાથે આવી મંડળમાં જોડાયા. સદ્ગત પં. ભગવાનદાસ અને પં. બેચરદાસ પણ આવી ગયેલા. એક ઉત્સાહી ક્ષમામુનિ નામના સાધુ પણ કે. જે. પાછળથી સ્વર્ગવાસી થયા) મંડળમાં જોડાયા. એમ અનેક રીતે મંડળ વિકસ્યું.
અમે ભાષાંતર અને સ્વતંત્ર લખાણોનું કામ કરતાં અને ઉપર સૂચનાથી બધી પ્રવૃત્તિઓ ચલાવ્યે જતા. પણ આ બધાં જવાબદારીવાળાં બુદ્ધિની ઠીક ઠીક કસોટી કરે એવાં કામોની પાછળ રોશન મહોલ્લા જેવા ગંદા મહોલ્લામાં કોઈ ઉત્સાહપ્રેરક અને તાજગી બક્ષનાર બળ હોય તો તે દયાળચંદજીનું અડીખમ વ્યક્તિત્વ હતું. એ જ વ્યક્તિત્વને લીધે ૧૯૨૧ સુધીમાં અમારા મંડળની અનેક પ્રવૃત્તિઓ વિકસી અને મૂર્ત પણ બની.
૧૯૨૧માં ગાંધીજીની હાકલ પડી. સ્વરાજ્ય મેળવવાનો જુસ્સો દેશમાં એટલે સુધી વધેલો કે હવે માત્ર શાસ્ત્રીય પ્રવૃત્તિમાં મન ચોંટતું નહિ, પણ જે કામો પ્રારંભ્યાં તેનું શું? આ નૈતિક પ્રશ્ન હતો. બાબુજી સાથે મેં વિચાર કર્યો. તેમના મનમાં પણ સ્વરાજ્યની ઝંખના ઓછી ન હતી. છેવટે અમે બંનેએ નક્કી કર્યું કે જે જે લખાણો તૈયાર છે તે બધાં જ છપાવી દેવાં અને મારે આગરા તેમજ કાશીનો મોહ છોડી અમદાવાદ આવી રહેવું અને આગરામાં શરૂ કરેલ સાહિત્યિક પ્રવૃત્તિઓ અમદાવાદમાં બેસીને જ ચલાવવી. જરૂર હોય એવા સાથીઓ રાખવા, ખર્ચની ચિંતા બાબુજી સેવે અને કામની ચિંતા હું એવું. બાબુજીના આવા વલણથી હું તેમની સાથે અંતરથી હંમેશાં જોડાઈ રહ્યો, અને અમદાવાદ રહેવા છતાં તેમનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો ગયો. એટલે સુધી કે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ હું કામ કરતો ત્યારે પણ તેઓ અવારનવાર અમદાવાદ આવી જાય અને બનતું કરવા ન ચૂકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org