SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણા અને પ્રણામૂર્તિનું મહાપ્રસ્થાન • ૫ જોકે બાપુજીનું શરીર વિલય પામ્યું છે, પણ તેમની મહાકરુણા અને મહાપ્રજ્ઞા ઊલટાં વધારે વિકાસ પામી વિશ્વવ્યાપી બન્યાં છે. સઘળાં માનવમાં વસતા જીવનતત્ત્વની અંદર જે બ્રહ્મ અથવા સચ્ચિદાનંદનો અંશ શુદ્ધ રૂપે વાસ કરે છે તે જ સકળ જીવધારીનો અંતરાત્મા છે. બાપુજી વિદેહ થયા એટલે બ્રહ્મભાવ પામ્યા. આનો અર્થ એ છે કે એમની કરુણા અને પ્રજ્ઞાના વિકસિત ફણગાઓ અનેકના અંતરાત્માના ઊંડાણમાં રોપાઈ ગયા અને એકરસ થઈ ગયા. બાપુજીની કૃશ કાય કયાં? તેમની પળેપળની વિવિધ પ્રવૃત્તિઓ, મતિ મૂંઝવી નાખે એવી જવાબદારીઓ અને જટિલ સમસ્યાઓ ક્યાં? છતાં એ બધો ભાર સૂતાં અને જાગતાં બાપુજી પ્રસન્ન વદને હોંશભેર ઊંચકતા તે કોને બળે? આ પ્રશ્નનો ઉત્તર એમની કરુણા અને પ્રજ્ઞાના વિકાસમાં રહેલો છે. તેમણે કરુણા અને પ્રજ્ઞાની જે એકધારી ઉપાસના કરી, જે આધ્યાત્મિક જીવન ખીલવ્યું, જે બ્રહ્મતત્ત્વ અનુભવ્યું, જે અન્ય જીવાત્માઓ સાથે તાદાત્ય સાધ્યું, તેણે જ એમને પ્રવૃત્તિઓ અને જવાબદારીઓનો ગોર્વધન ઉઠાવવાની તાકાત અર્પી. ગાંધીજીની સદા જીવતી જીવનગાથા જ ઈશ્વર અને આધ્યાત્મિક તત્ત્વના બળનો જાજ્વલ્યમાન પુરાવો છે. પણ આધ્યાત્મિક તેજ સૂર્યના તેજની પેઠે ગમે તેટલું પ્રકાશમાન અને જાજ્વલ્યમાન હોય છતાં દૃષ્ટિવિહીન અંધને માટે તે કશા કામનું નથી. ઊલટું એવા તેજથી અંધદષ્ટિ વધારે ગૂંગળાય છે. આથી જ તો બાપુજીની દુઃખોદ્ધારની અને અન્યાય પ્રતિકારની વૃત્તિ જેમ જેમ ઉગ્ર બની તેમ તેમ આધ્યાત્મિક દૃષ્ટિવિહોણા અંધ વધારે મૂંઝાયા અને રોષે ભરાયા. પણ એ રોષ બહુ તો દેહને હણી શકે. કરુણા અને પ્રજ્ઞાને તો તે સ્પર્શી પણ ન શકે. જે મહાકરુણા અને જે ઋતંભરા પ્રજ્ઞા થોડો વખત પહેલાં એક મર્યાદિત દેહની વાટે કામ કરી રહી હતી, તે કરુણા અને પ્રજ્ઞા પોતાને અવલંબન આપનાર કૃશ કાયનો અંત થતાં માનવતાના મહાદેહમાં સમાઈ ગઈ, તેમાં વસતા અંતરાત્માનાં શુદ્ધ તત્ત્વોને સ્પર્શી તે પોતાનું કામ સદા અનંતમુખે જારી રાખશે એમાં શંકા નથી. સૂર્ય અસ્ત થાય ત્યારે તેનો નાશ નથી થતો, માત્ર તે અન્યત્ર પ્રકાશે છે; તેમ બાપુજીની કરુણા અને પ્રજ્ઞા હવે એ કૃશકાય દ્વારા ન પ્રકાશતાં માનવતાની વિરાટ કાયા દ્વારા પ્રકાશવાની જ. માનવતાનો વિરાટ દેહ જ એમની કરણા-પ્રજ્ઞાનું તેજ વહન કરવા જાણે સમર્થ ન હોય અને તે માટે જ જાણે તે એમાં એકરસ થઈ ગઈ ન હોય – એમ ઘટનાક્રમ અને બાપુજીની નિર્ભયતા જોતાં લાગે છે. હવે આપણે અંતરાત્મામાં એમની કરુણા અને પ્રજ્ઞાના અંશો ઝીલીને જ ખરી શ્રદ્ધાંજલિ અર્પી શકીએ. - સંસ્કૃતિ * મેં તા. ૧૨-૨-૪૮ને દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં બાપુજીના શ્રાદ્ધપ્રસંગે મળેલ પ્રાર્થનાસભામાં આપેલ ભાષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy