________________
૨૧. અંજલિ [ સદ્ગત શ્રી મોહનલાલ દ. દેશાઈની સાહિત્યસેવા અને નિષ્ઠાને ]
સહૃદય મિત્રો,
આભારવિધિના ઔપચારિક ભારમાં દબાયા વિના જ આપણે મુખ્ય પ્રસંગ ઉપર આવીએ. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સે મને પોતાનો સમજીને જ બોલાવ્યો છે. હું પણ એ ભાવથી જ આવ્યો છું. સદ્ગત શ્રી મોહનલાલભાઈ દેસાઈનું તૈલચિત્ર કૉન્ફરન્સ તૈયાર કરાવે અને તેના અનાવરણવિધિ માટે મને બોલાવે ત્યારે સહેજે વિચાર આવે છે કે કૉન્ફરન્સ, મોહનભાઈ અને હું એમ ત્રણેનો પરસ્પર શો સંબંધ હતો અને હજીયે છે. વળી, એ પણ જિજ્ઞાસા થયા વિના ન રહે કે હું કૉન્ફરન્સને કઈ દૃષ્ટિએ જોતો અને સમજતો રહ્યો છું. તેમજ મોહનભાઈનું મારી દૃષ્ટિએ શું સ્થાન હતું?
હું કૉન્ફરન્સનો નખશિખ ઇતિહાસ નથી જાણતો એ ખરું, પણ એના મુખ્ય સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિ વિશે થોડીઘણી માહિતી તો છે જ. હું જાણું છું ત્યાં લગી શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાની બીજી કોઈપણ સંસ્થા કરતાં કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ અને બંધારણ ઉદાર તેમજ વિશાળ રહ્યાં છે. પરિસ્થિતિવશ તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હોવા છતાં તેની બેઠકો અને વાર્ષિક અધિવેશનો માત્ર મુંબઈમાં પુરાઈ રહ્યાં નથી. પૂર્વમાં કલકત્તા, ઉત્તરમાં પંજાબ, પશ્ચિમમાં કાઠિયાવાડ, રાજસ્થાન અને ગુજરાત તેમજ દક્ષિણમાં પૂના લગી સમયે સમયે એનાં અધિવેશનો થતાં રહ્યાં છે અને તે તે પ્રાંત કે પ્રદેશના સગૃહસ્થો પ્રમુખપદ પણ શોભાવતા રહ્યા છે. આ સૂચવે છે કે પ્રથમથી જ કોન્ફરન્સનું દૃષ્ટિબિંદુ સમગ્ર મૂર્તિપૂજક સંઘને પોતાની સાથે લેવાનું રહ્યું છે, અને એ પણ કબૂલ કરવું જોઈએ કે આ દૃષ્ટિબિંદુને સંઘે હૃદયથી આવકાર્યું પણ છે. તેથી જ તેને દરેક પ્રાંત અને પ્રદેશમાંથી હાર્દિક આવકાર મળેલો અને ઉદ્દામ, મધ્યમ તેમજ જુનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈ-બહેનો પણ કોન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે.
જૈન સંઘના બંધારણમાં ચતુર્વિધ સંઘનું સ્થાન એકસરખું છે. ક્યારેક કોઈ વ્યક્તિ મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી મોવડી જેવી લાગે તોય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહિ કે પેઢીઉતાર સત્તાનો વારસો. આ જૈન સંઘનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org