SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ • અર્થ હોઉં ત્યાં તેઓ છેવટે પત્ર લખીને પણ પૂછે અને મારા વિચાર જાણવા માગે. મારી દૃષ્ટિ પણ વિદ્યાલયના આ અંગને વધારે પુષ્ટ કરવાની પ્રથમથી જ હતી. એટલે હું પણ એમાં રસ લેતો. દરબારીલાલજી પછી લગભગ એક પછી એક છ-સાત ધાર્મિક અધ્યાપકો બદલાયા અને નિમાયા. લગભગ એ બધાની નિમણૂક વખતે મારા અભિપ્રાયોનું મૂલ્ય તેઓ વિશેષ આંકતા એવી છાપ મારા ઉપર હજી પણ છે, તેથી કરીને હું પણ એ વિષેની મારી જવાબદારી અંગે કદી બેપરવા રહ્યો નથી. એમ મારો અંતરાત્મા કહે છે. આ મિલનતંતુ દ્વારા ધીરે ધીરે મોતીભાઈ સાથે હું વિશેષ પરિચયમાં આવતો ગયો – જોકે વધારે વખત સાથે બેસવાનો કે એવો બીજો કોઈ પ્રસંગ આવ્યો જ ન હતો. મારી પ્રથમથી જ માન્યતા હતી, અને આજે પણ છે કે, મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ માત્ર ધર્મતત્ત્વજ્ઞાનના શિક્ષણથી પોતાની ઇતિકર્તવ્યતા પૂરી થયેલી માનવી ન જોઈએ. હું એ બધા મિત્રોને ભારપૂર્વક કહેતો જ આવતો રહ્યો છું કે, વિદ્યાલયનું કાર્ય ત્રિવિધ હોય, કૉલેજના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવાનું વાતાવરણ ઊભું કરવું અને તેને રસપ્રદ બનાવવું એ માટે તે ત્રિવિધ કાર્યક્રમ આવશ્યક છે. પહેલું તો એ કે ઓછામાં ઓછું એક સમર્થ પ્રોફેસર અને એક સમર્થ પંડિત એ બેને વિદ્યાલય પૈસાની ખાસ ગણતરી કર્યા વિના રોકે, જેથી મુંબઈ શહેરની કોઈપણ કોલેજના વિદ્યાર્થીને અગર ત્યાંના નિવાસી કોઈપણ પ્રોફેસરને જૈન પરંપરા વિષે કાંઈ પણ જાણવું હોય તો વિદ્યાલય એક જ્ઞાનપ્રજ્ઞારૂપ બને અને વિદ્યાજગતમાં એવી માન્યતા બંધાય કે જૈન પરંપરાને લગતા પ્રામાણિક અને વ્યાપક અભ્યાસ માટે મહાવીર જૈન વિદ્યાલય એ મુખ્ય ધામ છે. બીજું કામ સાહિત્ય-સંપાદનનું. જે પ્રોફેસર અને પંડિત નિયુક્ત થાય તે અનુકૂળતા પ્રમાણે જૈન સાહિત્યનું આધુનિક દૃષ્ટિએ સંપાદન કરે અને તે તે વિષય પરત્વે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં યથાસંભવ પ્રસ્તાવના આદિ પણ લખે. એ દૃષ્ટિએ કે કોઈપણ યુનિવર્સિટી કે કોઈપણ કોલેજના પાઠ્યક્રમમાં તે સંપાદનો ઉપયોગી થઈ શકે. જેવી રીતે જર્મન અને અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલા ભારતીય સંપાદનો પ્રતિષ્ઠા પામ્યાં છે તેથી પણ વધારે સારી રીતે આ દિશામાં વિદ્યાલય કામ કરવાની ગોઠવણ કરે. ત્રીજું કામ મારી દૃષ્ટિએ એ છે કે, વિશિષ્ટ વિશિષ્ટ ગ્રંથોના પ્રમાણભૂત અને સંશોધનાત્મક ભાષાંતરો કરાવી વિદ્યાલય પ્રસિદ્ધ કરે. હું શ્રી મોતીભાઈને ઘણીવાર આવેશમાં એમ પણ કહેતો કે, તમે તો કાંઈ કરતા નથી; માત્ર ધાર્મિક લોકોનાં મન રીઝવવા ને પૈસા મેળવવા ધર્મવર્ગ ચલાવો છો એટલું જ. છતાં તેઓ કદી મારા પ્રત્યે તપ્યા નહિ; મીઠાશથી ઘટતો જવાબ વાળતા, અને હસતાં હસતાં ક્યારેક એમ કહેતા કે તમે વિદ્યાલયમાં આવો તો બધું અમે કરીશું, ઈત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy