________________
સાચો ત્યાગી અને સાચો વિચારક હોય તે એટલું તો જાણે જ કે કોઈપણ વ્યક્તિનું જીવન ભોજન, આશ્રય અને બીજી એવી જરૂરી વસ્તુઓ વિના કદી ચાલી શકે જ નહિ. એટલું જ નહિ પણ સ્થૂળ અને જડ કહેવાતી બાહ્ય સામગ્રીની ઉચિત મદદ વિના જીવનનું ઊર્વીકરણ પણ શકય નથી. આ રીતે જોતાં બધી જ પરંપરાના મુખ્ય પ્રવર્તકોનો સૂર મમતાત્યાગનો છે; એટલે કે અંગત અને વૈયક્તિક મર્યાદિત મમતાને વિસ્તારી એ મમતાને સાર્વજનિક કરવાનો છે. સાર્વજનિક મમતા એટલે બીજા સાથે અભેદ સાધવો કે આત્મૌપમ્ય સાધવું તે. એનું જ બીજું નામ સમતા છે. મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપ ઓળખાય છે. બંનેના મૂળમાં પ્રેમતત્ત્વ છે. એ પ્રેમ સંકીર્ણ અને સંકીર્ણતર હોય ત્યારે તે મમતા અને એ નિર્બંધન વિકસે ત્યારે તે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે.
મમતાનો ત્યાગ એ શ્રેય માટે આવશ્યક હોવા છતાં જો તે સમાજનાં વિવિધ અંગોમાં સમતાને મૂર્ત કરવામાં પરિણામ ન પામે તો અંતે એવો ત્યાગ પણ વિકૃત બની જાય છે. પરિગ્રહત્યાગની ભૂમિકા ઉપર જ સંન્યાસીસંઘ અને અનગારસંઘો અસ્તિત્વમાં આવ્યા. એના ત્યાગને લીધે જ અશોક જેવા ધર્મરાજે સાર્વજનિક હિતનાં કામો કર્યાં. એવા ત્યાગમાંથી જ દાનદક્ષિણા જેવા અનેક ધર્મો વિકસ્યા. કવિ કાલિદાસે જેમાં સર્વસ્વ દક્ષિણારૂપે અપાય છે એવો યજ્ઞ રઘુને હાથે કરાવ્યો અને માત્ર માટીનું પાત્ર જ હાથમાં બાકી રહ્યું હોય એવા રઘુને રઘુવંશમાં વર્ણવી ગુપ્તકાલીન દાન- દક્ષિણા ધર્મનું મહત્ત્વ સૂચવ્યું. હર્ષવર્ધને તો એકત્ર થયેલ ખજાનાને દર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કર્ણનું દાનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ-પંથના મઠો, વિહારો, મંદિરો અને વિદ્યાધામો જ નહિ પણ સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં અગાર છોડી અનગાર થયેલ ભિક્ષુ કે પઆિાજકોની સંપૂર્ણ જીવનયાત્રા એ બધું પરિગ્રહત્યાગ અને દાનધર્મને જ આભારી રહ્યું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org