________________
ર૬ • પરિશીલન
કોસાંબીજી પ્રત્યેના બહુમાનને લીધે અને તેમના ઉદાર નિખાલસપણા પ્રત્યેના વિશ્વાસને લીધે મેં કેટલેક સ્થળે તેમના લખાણ વિરુદ્ધ મારું મંતવ્ય નિઃસંકોચ જણાવ્યું છે, છતાં એથી આ પુસ્તકની કિંમતમાં કે ઉપયોગિતામાં જરાય ઘટાડો થતો નથી. કોશાબીજીએ આ પુસ્તક લખી વિદ્વાનો અને સંશાધકો સામે એટલો બધો મોટો વિચાર અને દૃષ્ટિબિંદુઓનો ખજાનો ખુલ્લો મૂક્યો છે કે વિરોધી પક્ષના સાચા અભ્યાસીઓ પણ એ બદલ તેમનો આભાર કદી ભૂલશે નહિ. અંધશ્રદ્ધા અને બીકણવૃત્તિને લીધે ઘણા વહેમો જાહેરમાં આવતા જ નથી. મિત્રમંડળમાં ખાનગી રીતે થનાર ચર્ચાઓ જેવી છૂટ અને નિર્ભયતાથી થાય છે તે ચર્ચાઓ ઘણી વાર અગત્યની હોવા છતાં તેને લોકસમક્ષ મૂકતાં વિદ્વાન લેખકો સુધ્ધાં ડરે છે, સંકોચાય છે. જે વસ્તુ હું મનમાં વિચારતો હોઉં, મિત્રોને કહેતો હોઉં ને જેના પ્રત્યે મારું વિશિષ્ટ વલણ હોય તે જ વસ્તુ હું જો સમભાવે લોક સમક્ષ વિચાર અર્થે ન મૂકું તો વિચારની પ્રગતિશીલ ધારાઓ ઉદયમાં જ ન આવે. કોસાંબીજી એવા ડરથી પર છે. એક વાર તેમને જે સત્ય લાગ્યું તે પછી તેઓ કહી જ દે છે. આ કાંઈ દોષ જ છે એમ ન કહી શકાય. તેથી એમણે પોતાનાં મંતવ્યો જે છૂટથી ચર્ચા છે તથા પોતાના અવલોકન અને કલ્પનાબળનો ઉપયોગ કરી પોતાના કથનનું જે સમર્થન કર્યું છે તે પુનઃ વિચારવા વાસ્તે સૌને માટે ખુલ્લું છે. વિચારકને વિચાર અને ચિંતનની, લેખકને લખવાની અને શોધકને સંશોધનની ઘણી સામગ્રી પૂરી પાડવા બદલ ગુણજ્ઞ તો કોસાંબીજીના સમર્થ શ્રમના આભારી જ રહેવું જોઈએ.
કોસાંબીજી આ પુસ્તક મરાઠીમાં લખી રહ્યા હતા તે જ વખતે એવો નિર્ણય મેં સાંભળેલો કે આનું હિન્દી ભાષાંતર પ્રથમ જ અને જલદી પ્રગટ થશે. તે વખતે મને સંદેહ તો થયેલો કે કાશી જેવા સનાતન રૂઢિના કિલ્લામાં વસતા ઉદારચેતા પ્રકાશકો પણ આવું ભાષાંતર જલદી અને પ્રથમ પ્રગટ કરે તો એટલી વાત સાબિત થશે કે એ કિલ્લામાં હવે ગાબડાં પડવા લાગ્યાં છે. કોણ જાણે કયે કારણે હજી હિન્દી ભાષાંતર પ્રસિદ્ધ થયું નથી. મરાઠી ઉપરથી હિન્દી લખાયું છે કે નહિ તે પણ અજ્ઞાત છે, પરંતુ ખુશીની વાત છે કે ગુજરાતી ભાષાંતર પ્રથમ જ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતની વ્યાપારી પ્રકૃતિસુલભ ઉદારતા, સાહસવૃત્તિ અને રૂઢિદાસત્વની મુક્તિ આ પ્રકાશનથી સિદ્ધ થાય છે. શ્રીયુત જીવણલાલે આ ગુજરાતી ભાષાંતર પ્રગટ કરી ગુજરાતી સાહિત્યમાં એક નવી ભાતના કીમતી અને ભાગ્યે જ બીજાથી લખાય એવા પુસ્તકનું ઉમેરણ કરી ગુજરાતી વાચકવર્ગ ઉપર ઉપકાર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org