________________
૧૮. સ્મૃતિશેષ
શ્રી' સંજ્ઞાથી જે નિબંધાવળી “અખંડ આનંદ”માં આજ લગી પ્રસિદ્ધ થતી રહી છે, તે તરફ પ્રથમથી જ મારું ધ્યાન ગયેલું. બીજા લેખો ન વંચાય તોપણ એ નિબંધિકા સાંભળવાની લાલચ શમી નથી, એમ યાદ આવે છે. હું પ્રથમ જાણતો ન હતો કે એના લેખક મારા એક સુપરિચિત સજ્જન છે. એ નિબંધિકાઓની મારા મન પર જે છાપ ઊઠતી જતી હતી, તે મને એમ માનવા પ્રેરતી હતી કે આનો લેખક કોઈ સૂક્ષ્મચિંતક અને પ્રાંજલ લખાણની શક્તિ ધરાવતો હોવો જોઈએ.
એ નિબંધિકાઓ સાંભળતી વખતે મને ઇમર્સનનાં તત્ત્વચિંતનોની અને કાકા કાલેલકરે ગીતાધર્મમાં લખેલા દેવી સંપત ઉપરના નિબંધોની યાદ આવ્યા કરી છે; અલબત્ત, બધા ચિંતકો અને લેખકોની વિચાર તેમ જ લેખનપ્રક્રિયા કાંઈ તદ્દન સમાન હોતી નથી.
જ્યારે મેં જાણ્યું કે એ પ્રકારની નિબંધિકાઓનો સંગ્રહ છપાયો છે, ત્યારે મેં હૃદયથી એને આવકાર્યો. એક તો ક્રમે ક્રમે સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં લખાણો સૌને એકસાથે સુલભ નથી હોતાં, અને જેઓ પાસે અંકોની ફાઈલ હોય તેઓ પણ એક એક અંગ કાઢી તેને વાંચવા જેટલી ઉત્કટતા ભાગ્યે જ ધરાવતા હોય છે. તેથી ઊલટું, જ્યારે એકસામટો સંગ્રહ હાથમાં પડે ત્યારે સહેજે ગમે તે વાંચવાનું મન થઈ આવે છે. અને એક વાર કોઈ નિબંધે રસ જગાડ્યો તો પછી વાચક એને પૂરેપૂરું વાંચ્યા વિના છોડતો જ નથી.
વળી આ લખાણો નિબંધ કરતાં નિબંધિકા જ વધારે છે. એક તો એ કે તે કંટાળો આપે કે થકવે એવા લાંબા નથી, અને બીજું એ કે દરેકના વિષયો દેખીતી રીતે જુદા જુદા હોવા છતાં, સળંગ જીવનની દૃષ્ટિએ તદ્દન પરસ્પર સંકળાયેલા છે. એની ભાષા જરાય કૃત્રિમ કે સંસ્કૃતના ભારથી લદાયેલ નથી, ને શિષ્ટતાનું પૂરેપૂરું ખમીર ધરાવે છે. જોકે ઘરગથ્થુ શિષ્ટ ભાષાનું એક કલેવર જ ઘડાયું ન હોય, એમ લાગ્યા કરે છે. એમાં પ્રસંગોચિત જે ઉપમાઓ અને દૃષ્ટાંતો આવે છે, તે તો મારી દૃષ્ટિએ વિચારવંત વાચકને ઘડીભર થંભાવી દે તેવાં સચોટ છે. એમાં અર્થપૂર્ણ નવીનતા દીસે છે. અને મૂળ વક્તવ્યને અજબ રીતે સ્ફટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org