________________
અનધિકાર ચેષ્ટા ૦ ૧૪૩ હજાર પ્રલોભનો સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને બરાબર ફ્રુટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણાનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણ વર્ગને જ નહિ, પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થયા તેના વારસો જ પાછા એના પંજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચ-નીચપણાના ભૂતની ભાવના સામે બળવો કરનાર પરંપરા પણ એ ભૂતની દાસ બની. જયભિખ્ખુએ મહર્ષિ મેતારજમાં જૈનોને તેમની મૂળ ભાવનાની યાદ આપવા અને ધર્મચ્યુતિનું ભાન કરાવવા મેતારજ પાત્રની આસપાસ કથાગૂંફન કર્યું છે. તેમણે પોતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યું છે કે એને પ્રશંસતા રૂઢિના ગુલામ જૈનોને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચનીચભાવમાં માનનાર બધા જ વર્ગોને એકસરખો બોધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે; પાત્ર કેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ.
લોભી અને કંગાળ વૃત્તિનો માણસ પણ કોઈનો ઉદાત્ત અને સાત્ત્વિક ત્યાગ જોઈ ક્ષણમાત્રમાં કેવી રીતે બદલાઈ જાય છે, દીન-હીન મટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે ‘દેવકૂષ્ય'ની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડ્યા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને અંતે વ્યંગ્ય સમજાઈ જાય છે.
હવે બહુ લંબાવ્યા સિવાય પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ' નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. સત્ય બે છે ઃ લૌકિક અથવા માયિક સત્ય અને લોકોત્તર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગત પહેલા જ સત્યનો આદર કરી તેમાં રસ લે છે, તેને લીધે જ્યારે તે વિડંબનામાં સંડોવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા – અંધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા—કોઈ ને કોઈ મંગળમૂર્તિ લોકોત્તર સત્ય, વિચાર ને વર્તનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશમાર્ગમાંથી ઘણા આશ્વાસન મેળવે છે ને વળી પાછું સામાન્ય જગત તો પુરાણા ચાલેલ ચીલે – અંધકારની દિશામાં – જ ગતિ કરે છે. આમ લૌકિક ને લોકોત્તર બંને સત્યનું ચક્ર વારાફરતી પોતપોતાનું કામ કર્યે જાય છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિનો મોહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તત્ત્વોથી પ્રેરાયેલ કોઈ સબળ હંમેશાં પોતાનાથી નિર્બળ સામે જ બળનો પંજો અજમાવે છે. અને પોતાથી વધારે સમર્થ કે બળશાળી સામે પાછો દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લોકોત્તર સત્ય સાક્ષાત્ થાય છે તેનાં વિચાર અને વર્તન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે અયોગ્ય રીતે નમતું નથી આપતો અને નિર્બળને માત્ર એની નબળાઈને કા૨ણે દબાવતો કે સતાવતો પણ નથી. ઊલટું, તે પોતાના સમગ્ર બળનો ઉપયોગ નિર્બળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સબળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના બળનો વિધિવત્ વિનિયોગ કરવામાં કરે છે.
. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International