________________
દેહપાત વિના જ નવો જન્મ ધારણ કરવાની - દ્વિજત્વ પામવાની – શક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. બાળક આંખ, કાન આદિ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રોજિંદુ જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એનો પ્રથમ જન્મ પૂરો થાય છે અને તે જ્યારે વર્ષો જ નહિ પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેનો બીજો જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ઘર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પોતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પોતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ દ્વિજત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડદેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે, પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ-દેવડ જ્યારે લેખબદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી બને છે.
પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એવો ભાવ ભારતના લોહીમાં જડાયેલો છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગનો ઉદય થયો છે, એ માર્ગ વિકસ્યો પણ છે, પરંતુ એ નિવૃત્તિ પોતાનો બોજો બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિનો અર્થ એથી ઊલ થવો જોઈએ. બીજાનો બોજ ઊંચકી બીજાને આરામ આપવો, રાહત આપવી; અને એમ ન થાય ત્યારે પોતાનો બોજ તો બીજાના પર નાખવો જ નહિ એ નિવૃત્તિ હોવી જોઈએ. એનાથી જ અનાસક્ત કર્મયોગનો પાયો નાખી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org