________________
૯૪ • પરિશીલન થવાનો. ગાંધીજીની આ અનુભવસિદ્ધ વિચારસરણી આખા દેશમાં થોડા, પણ સમાજદાર માણસોએ ઝીલી અને દેશના અનેક ખૂણાઓમાં એને લગતી સાધના પણ શરૂ થઈ. સૌરાષ્ટ્રમાં આવી સાધનાનું એક જાણીતું કેન્દ્ર છે – ગ્રામ દક્ષિણામૂર્તિ. તેના મુખ્ય સૂત્રધાર છે વયોવૃદ્ધ વિદ્વાન શ્રી નાનાભાઈ ભટ્ટ. તેમણે સાધનાની જે પરંપરા વિકસાવી છે તેને પોતાનામાં મૂર્ત કરનાર “દર્શક' નામે જાણીતા શ્રી મનુભાઈ પંચોળી એ જ આ “વારસા'ના લેખક છે.
ઇતિહાસયુગ અને તે પહેલાંના યુગો, એમ એકંદરે લગભગ ૫૦૦ વર્ષોનો માનવજાતે જે વારસો મૂક્યો છે, ને જે ખાસ કરી ભારત સાથે સંબંધ ધરાવે છે તેની ક્રમવાર સુસંબદ્ધ રીતે રજૂઆત આ પુસ્તકમાં થયેલી છે. લેખકે શરૂઆત બહુ પ્રાચીન સમયથી કરી છે, પણ એની સમાપ્તિ ઈ. સ.ને સાતમા સૈકામાં થયેલ હર્ષવર્ધનની સાથે જ થાય છે. હર્ષવર્ધનથી માંડી આજ સુધીનાં ૧૨૦૦-૧૩૦૦ વર્ષોને, પૂર્વરંગના લેખકોની પેઠે, પ્રસ્તુત લેખક પણ સ્પર્યા નથી. ખરી રીતે પ્રસ્તુત પુસ્તક એ પૂર્વરંગની એક વિશિષ્ટ પૂર્તિ જ નહિ, પણ ઘણી બાબતોમાં તેનું સ્પષ્ટીકરણ પણ છે. કાકા જેવા બહુશ્રુત પ્રતિભાસંપન્ન અને શ્રી નરહરિભાઈ જેવા પારદર્શી વિચારક, એ બંનેને તે વખતે પલાંઠી બાંધી બેસવાનો અને સ્વસ્થ મને લખવાનો જોઈતો સળંગ સમય મળ્યો હોત તો એ પૂર્વરંગ'ની ભાત જુદી જ હોત, પણ તે યુગ વિદેશી સત્તા સામે ગાંધીજીએ ફેંકેલ સત્યાગ્રહના બ્રહ્માસ્ત્રમાં સાથ દેવાનો વીરયુગ હતો. એટલે થવું જોઈતું કામ કાંઈક રહી જ ગયું. પ્રસ્તુત લેખકે જેમ એક લોકશાળાના શિક્ષક છે, તેમ એ અધ્યાપન મંદિરના પણ અધ્યાપક છે; એટલું જ નહિ, પણ સાથે સાથે તેમને લોકજીવનમાં બધાં પાસાંનો ઠીકઠીક પ્રત્યક્ષ સંપર્ક સાધવાના પ્રસંગો પણ મળતા જ રહે છે. તેથી જ શ્રી મનુભાઈએ પલાંઠી વાળી સ્વસ્થ મને પોતાના વર્ગો માટે જે પૂરી તૈયારી કરેલી તેનું સંકલન આ પુસ્તકમાં નજરે પડે છે.
પ્રસ્તુત પુસ્તક ૧૩ પ્રકરણમાં પૂરું થાય છે. આગળ આગળનાં પ્રકરણ પહેલાંનાં પ્રકરણો સાથે કાળક્રમની દૃષ્ટિએ તેમ જ વિષયની દૃષ્ટિએ એવાં સુસંબદ્ધ ગોઠવાયાં છે કે પહેલું પ્રકરણ પૂરું થાય ત્યારે બીજા પ્રકરણમાંના વિષયની જિજ્ઞાસાનાં બીજ નંખાઈ જાય છે, એટલે વાચક સહેલાઈથી આગલું પ્રકરણ વાંચવા લલચાય છે અને તે વાંચ્યા વિના તેને તૃપ્તિ જ થતી નથી.
લેખકનો આ ઇતિહાસ શાળા-મહાશાળામાં ચાલતા ઇતિહાસ કરતાં જુદો પડે છે, કેમ કે એ માત્ર રાજાને ન સ્પર્શતાં સમગ્ર પ્રજાજીવન વ્યાપી સંસ્કારને સ્પર્શે છે; અર્થાતુ પ્રસ્તુત ઇતિહાસ સંસ્કૃતિનો ઇતિહાસ છે.
આમુખમાં લેખકે જોડના કથનને આધારે સંસ્કૃતિનો અર્થ દર્શાવી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ખાસ ધ્યાન ખેંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org