________________
બીજો જન્મ ૦ ૪૩ જાય અને અટકળે અર્થ પણ સમજતા જાય. એમને શાસ્ત્રજ્ઞાનનો શોખ પણ હતો. સ્મૃતિ એમની એટલી બધી અદ્ભુત હતી કે ગામની કોઈ પણ ઘટનાને તે તારીખવાર કહી આપે. અને હિસાબમાં તો બીજાને પાછો પાડે. એ ઉંમરે મારાથી વીસેક વર્ષે મોટા, પણ મારા પ્રત્યે એમનો બહુ સદ્ભાવ. મૂળે તે મૂર્તિપૂજક એટલે ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાનાં કેટલાંક ગુજરાતી પુસ્તકો અવારનવાર મંગાવે. સભાનું જૈન ધર્મપ્રકાશ નામનું માસિક પણ મંગાવતા. તેઓ એ પુસ્તકો વાંચે અને હું પણ તેમાંથી અવારનવાર સાંભળું. ભરૂચવાળા અનુપચંદ મલૂક્સંદનું પ્રશ્નોત્તર-રત્નચિંતામણિ પુસ્તક તે વખતે જૈન સમાજમાં ખ્યાતિ પામેલું. એનું વાચન પણ મને રુચ્યું. ગુલાબચંદ સમવયસ્ક હોઈ વધારે અંતરંગ મિત્ર. એ વાંચી સંભળાવવા સિવાયની ઘણી બાબતોમાં મને મદદ કરે અને એના દાંપત્યજીવનના અવારનવાર ગૂંચવાતા કોકડાના ઉકેલમાં માત્ર મારી જ સલાહ લે અને મારા ઉપર વિશ્વાસ મૂકે. આમ શીખવાનું અને યાદ કરવાનું લંગડાતું તંત્ર ચાલતું હતું તેટલામાં લીંબડી સંઘાડાના વયોવૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ લાઘાજી સ્વામી લીમલીમાં પધાર્યા. તેમના મુખ્ય શિષ્ય ઉત્તમચંદજી પણ આવેલા. લાધાજી સ્વામી પાસેથી સારસ્વત વ્યાકરણની સાથે પંચસંધી મુખે યાદ કરી, પણ એમણે મને કહ્યું કે તમે આખું સારસ્વત કે ચંદ્રિકા શીખી જાઓ, ઉત્તમચંદજી તમને શીખવશે. એ સારા સંસ્કૃતજ્ઞ છે, ઇત્યાદિ. હું ઉત્તમચંદજી મહારાજની પાછળ પડ્યો અને વઢવાણ કેમ્પમાં તેમની પાસે રહી આખા ચોમાસામાં એ વ્યાકરણ સંપૂર્ણપણે શીખી લીધું. હું તેમની પાસેથી સાર્થપાઠ સમજી લેતો અને યાદ કરતો. મોટે ભાગે મુનિ છોટાલાલજીની મદદથી. બેશક તે વખતે પણ મને લાગતું કે હું શીખું છું તેમાં ઘણું અગત્યનું રહી જાય છે, પણ તેમ છતાં તે વખતે જે કાંઈ હું સંસ્કૃત શીખ્યો તે મને કાશીમાં જતાંવેંત ભારે ઉપયોગી સિદ્ધ થયું. એક રીતે કાશીના વિશાળ સંસ્કૃત અધ્યયનની એ કીમતી પૂર્વભૂમિકારૂપ જ સાબિત થયું. દેશમાં તૂટ્યુંફૂટ્યું સંસ્કૃત શીખતો ત્યારે લાધાજી સ્વામી અને ઉત્તમચંદજી મહારાજે શતાવધાની રત્નચંદ્રજી મુનિનો પરિચય કરાવેલો. તે વખતે તેઓ સાવ તરુણ જ હતા, પણ સંસ્કૃત જૂની ઢબે પણ સારું અને વ્યવસ્થિત રીતે શીખેલા. રત્નચંદ્રજી અને ઉત્તમચંદ્રજી મહારાજ બંને કેટલીક વાર સંસ્કૃતમાં વાતચીત કરે ત્યારે મારી સંસ્કૃત જિજ્ઞાસાનો પારો વધારે ચડી જતો અને એમ થતું કે હું આવું અગર આથીયે સારું સંસ્કૃત કયારે જાણું અને ક્યારે બોલું ? ખરેખર એમના પરિચયે જ મારી સંસ્કૃત જિજ્ઞાસાને વધારે સતેજ કરી એમ કહું તો એમાં જરાય અત્યુક્તિ નથી. આ રીતે મારા અભ્યાસ તંત્રની ગાડી વિ. સં. ૧૯૫૯ના કાર્તિક મહિના સુધી આવી પહોંચી. ટૂંકમાં એમ કહી શકાય કે વિ. સં. ૧૯૫૩ના અંતથી માંડી ૧૯૫૯ના અન્ત સુધીમાં જૂનીનવી ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા જૈનપરંપરાના ચારેય અનુયોગને લગતા અનેક વિષયોનું છૂટુંછવાયું ઉપરછલું અને અવ્યવસ્થિત જ્ઞાન મેળવવામાં પુરુષાર્થનો ઉપયોગ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org