SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૦ મારું જીવનવૃત્ત રાણપુર, કોંઢ, વાંકાનેરની યાત્રા આ નવા જીવનમાં આવી પડ્યો ત્યાં સુધીમાં મારું ગામ બહારનું ભ્રમણ અને દર્શનક્ષેત્ર સાવ પરિમિત હતું. ઉત્તરે રાણપુર સુધી ગયેલો. ત્યાં મારું નવું મોસાળ અને મામા લગભગ સરખી ઉંમરના; એટલે ફાવતું. પણ મને વધારે મજા તો ત્યાંની ભાદરગોમા બંને નદીઓના પટમાં જવા અને દોડવામાં પડતી. તેથીય વધારે મજા તો ભાદરના કિનારે ઊભેલાં ભગ્નપ્રાય ખૂબ ઊંચા કોટમાં જઈ ત્યાંનાં ભોંયરાં, તેમાં પડેલી જૂની તોપો અને કોઠાર તેમ જ જમાનાની જગ્યાઓ જોવામાં પડતી. દક્ષિણે મારા ખરા મોસાળ કોંઢ સુધી ગાડારસ્તે ગયેલો અને ત્યાંની નદીને કિનારે આવેલ જગ્યામાં એક સજળ કુંડ પહેલવહેલો જોયેલો. ત્યાંનો ખરો રસ તો થાકીએ ત્યાં લગી શેરડી ચૂસવામાં હતો. બારેક વર્ષની ઉંમર પછી કોંઢ નથી ગયો, પણ ત્યાં ન જવાનું દુઃખ હજી પણ રહી ગયું છે. આગળ જતાં જ્યારે જ્યારે વતનમાં પાછો ફરતો ત્યારે મામાઓ બહુ યાદ કરે છે એમ મોટાભાઈ કહે અને ખરા દિલથી કહેતો કે બીજી વાર આવીશ ત્યારે જરૂર જઈશું. હવે તો ખબર નથી કે મામા પછી ત્યાં કોણ બાકી રહ્યું છે. પશ્ચિમે ટ્રેનમાં વાંકાનેર સુધી ગયેલો. ત્યાંની મચ્છુ નદી કરતાં પાતળિયા તરફ વધારે ફરવા જતો અને એમ યાદ છે કે કેટલેક દૂર એકલો ગયા પછી ડરીને પાછો ફરતો. મેં પપૈયાં સૌથી પહેલવહેલાં ત્યાં ખાધેલાં. એનો સ્વાદ બહુ વિચિત્ર લાગે, પણ છોડાય નહિ. વાણિયાઓ પણ રજપૂતની પેઠે ચોરણો પહેરે અને કેડ બાંધે એ દશ્ય મારા માટે સાવ નવું જ હતું. ત્યાં લગી મારા મનમાં એવી વ્યાપ્તિ બંધાયેલી કે જ્યાં જ્યાં વાણિયા ત્યાં ત્યાં ધોતિયાં. વૃદ્ધ લગ્ન અને વૈધવ્ય પૂર્વમાં માત્ર વઢવાણ સુધી જ ગયેલો. મારાં ઘણાં મધુર સ્મરણો વઢવાણ સાથે સંકળાયેલાં છે. નાની ફઈને ત્યાં અમારો ઉતારો. એમની ત્રણ માળની રંગીન અને ચીતરેલી એડીઓ મનમાં કૌતુક પ્રેરતી. ફઈ ગુજરી ગઈ ને ઘરડે ઘડપણ ફૂઆ ખૂબ રૂપિયા ખર્ચા એક ખૂબસૂરત તરુણ કન્યાને ફઈના સ્થાને લાવ્યા ત્યારે એ જોડાને હું પોતે અકળ ભાવથી નિહાળી રહેલો. થોડા જ દિવસ પછી વૈધવ્યમાં આવી પડેલ આ નવી ફઈને રોજ સવાર-સાંજ માં વાળતાં પણ જોયા કરતો. આ દશ્યની છાપે આગળ જતાં વૃદ્ધલગ્ન અને વૈધવ્યજીવન વિષે વિચાર કરવામાં કેટલીક પ્રેરણા આપી છે. ખોટી હરીફાઈ અને ઉડાઉગીરી સગી ફઈના નાના દીકરા સુખલાલ તે મારી જ ઉંમરના. તે બહુ રંગીલા અને વિલાસી. દિવસમાં સિપાહીની પેઠે દશ પોશાક બદલે અને મારાથી કશું છુપાવે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy