________________
સામાજિક નબળાઈઓ • ૩૫ કોઈ સસલા જેવાની ચરબી હશે, પણ એ બધા ઢોંગ હતા. નાગડા બાવાઓની જમાતમાંથી એક બાવો આગળ આવ્યો અને સવા કલાકમાં જ દેખતા કરી દેવાનું બીડું ઝડપ્યું. મોટાભાઈએ અને કુટુંબીઓ તો હાથવેંતમાં જ આંખ પાછી આવતી જોતા. મારો વિશ્વાસ ચોટે નહિ, પણ એના પ્રયોગ તળે બેઠો તો ખરો. એણે નવું કપડું, ચોખા અને સવા રૂપિયો માંગ્યાં. મંત્ર ભણી મારે માથે મીઠું મૂકી ચાલતો થયો અને કહેતો ગયો કે એકાદ કલાકમાં જરૂર દેખાશે; શ્રદ્ધા રાખજો. સૌ સમજી ગયા અને શ્રદ્ધા તો એ બાવો તેમ જ આંખ ગયાં છતાં આજ સુધી કાયમ જ છે. આ અચક્ષુઠુગના પ્રારંભની ટૂંકી કથની થઈ.
વહેમ અને અજ્ઞાન, આગળપાછળની સંબંધ વિનાની ઘટનાઓમાં કાર્યકારણનો સંબંધ કેવી રીતે કહ્યું છે અને વહેમ તેમ જ અજ્ઞાન ફેલાવવામાં કેવી રીતે મદદ કરે છે એનું એક ઉદાહરણ યાદ આવે છે :
સામાન્ય રીતે તે જમાનામાં જન્માષ્ટમી આવે ત્યારે શ્રાવણ માસમાં રાંધણછઠ, શીતળાસાતમ અને જન્માષ્ટમી આ ત્રણ તહેવારો લાગલગાટ ઊજવાતા. પાછલા બે દિવસે ચૂલા ન સળગે. બનાવી રાખેલ પોતૈયાં અને મીઠાઈ ઉપર જ ચાલે. બૈરાંશાઈ માન્યતા એવી કે સાતમે ચૂલો સળગે તો શીતળા દેવી કોપે; કારણ કે તે દિવસે તે ઠંડા ચૂલામાં સૂવા આવે છે. આ વાતો સાંભળી સાંભળી હું રીઢો થયેલો, પણ એક વાર થઈ આવ્યું કે લાવો શીતળાને ભગાડીએ. જોઈએ કે શું કરે છે? ઘરે તો કાંઈ - બનવાનો સંભવ હતો નહિ એટલે નજીકમાં આવેલ ફઈને ઘેર પહોંચ્યો. અને ફઈના દીકરા ચુનીલાલ તેમ જ મેં બંનેએ મળી ઘર બંધ કરી, ચૂલો સળગાવી, દૂધ ઉકાળી સાકર સાથે ગરમાગરમ પીધું. આ વાત બીજું કોઈ જાણતું નહિ. ત્યાર બાદ એકબે વર્ષે જ શીતળા નીકળ્યા અને આંખો ગઈ. મેં પરાપૂર્વના વહેમ તેમ જ અજ્ઞાનથી કોઈ ન જાણે તે રીતે મનને મનાવી લીધું કે આ અંધાપો તો શીતળા દેવીની આમન્યા લોપ્યાનું જ પરિણામ છે. કેટલાક વખત લગી આ વહેમ અને અજ્ઞાનનું તમ મનમાં ઘર કરી રહ્યું ખરું, પણ આગળ જતાં વિચારના પ્રકાશમાં તે વિલીન થઈ ગયું. વિચાર એ ઉદ્દભવ્યો કે મારી સાથે ઘણાને માતા નીકળેલાં. કોઈ કોઈ મરી પણ ગયેલું અને હિન્દુસ્તાનમાં તો માતાને પરિણામે એક અથવા બીજી રીતે ઘણા અપંગ થાય છે. શું એ બધાંએ શીતળાને નારાજ કર્યા છે ? વળી એ પણ વિચાર આવ્યો કે શીતળાસાતમના દિવસે ચૂલો ઠંડો રાખવાની પ્રથા તો સાર્વત્રિક નથી એટલે ચૂલો સળગાવવાને લીધે દેવી માત્ર મારા ઉપર જ શા માટે નારાજ થાય? નારાજ થવું હોય તો તેણે મારા જેવું અડપલું કરનાર બધા ઉપર નારાજ થવું જોઈએ. આ અને આના જેવા વિચારોથી પ્રથમ બંધાવેલ મૂલગ્રાહ સરળતાથી સરી ગયો અને માતા નીકળવાનાં તેમ જ આંખો જવાનાં શાસ્ત્રીય કારણો જાણતો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org