________________
૧૮૦ • મારું જીવનવૃત્ત
દરમ્યાન અમદાવાદથી ૫. ભગવાનદાસ પણ આગ્રા મારા કામમાં સાથ આપવા આવી પહોંચ્યા. તે પોતે સુયોગ્ય શાસ્ત્રજ્ઞ હોવા ઉપરાંત મધુર સ્વભાવના હોઈ ક્ષમામુનિ સાથે જોડાઈ ગયા. ને બંને એક જ કામ કરવા લાગ્યા. મહિનોમાસ કામ ચાલ્યું ન ચાલ્યું ત્યાં તો દેવે પોતાનો ક્રૂર પંજો ઉપાડ્યાનાં લક્ષણો દેખાવા લાગ્યાં. ક્ષમામુનિનું મૃત્યુ અને બીજી આપત્તિઓ
આગ્રામાં ત્તેપુર સિક્રીને રસ્તે દાદાસાહેબનો બગીચો છે. તેમાં જૈનમંદિર છે. આ બગીચો અકબરે હીરવિજયસૂરિને સમર્પિત કર્યાનું કહેવાય છે. તે જગ્યા વિશાળ છે ને ત્યાં આગ્રાના શ્વેતાંબર સંઘના અનેક સભ્યોએ પોતપોતાનાં મકાનો બનાવેલાં છે, જે એકંદર સંઘની જ માલીકીનાં ગણાય. આ બગીચામાંના મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. ક્ષમામુનિએ એ પ્રતિષ્ઠા સંપન્ન કરી. ઉનાળો શરૂ થયો હતો. પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી ક્ષમામુનિ શહેરમાં આવ્યા ને તાવમાં પટકાયા. જોતજોતાંમાં તેઓના પ્રાણ ઊડી ગયા. આથી તેમના સહચર સાધુને કે તેમના સહોદર ભાઈને જે પહેલાં મુનિ હતા ને પછી મુનિપદ છોડી ઘેર ગયેલા તેમ જ આગ્રાના શ્રી સંઘને દુઃખ કે આઘાત થયાં હશે તે કરતાં વધારે આઘાત અમને થયો. આમ કામ બંધ થશે એ ભયથી નહિ, પણ એવા અતિશય સજ્જન સાધુમિત્રના એકાએક સદાને માટે ઊઠી જવાથી.
જાણે આટલું બસ ન હોય તેમ દેવે બીજો પંજો પણ ઉપાડ્યો. પં. ભગવાનદાસને લાંઘમાં ગૂમડું ઊપડી આવ્યું ને તે ભગંદરરૂપે દેખાયું. એની શસ્ત્રક્રિયા કરાવવામાં આવી, ને તેમને ત્યાંની હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા. આટલું પણ બસ ન હોય તેમ વળી વધારામાં રમણીકલાલ, તેમનાં પત્ની ને મારી ભત્રીજીઓ એ બધાં જવરમાં સપડાયાં. હું ને મારો ભત્રીજો હરજીવન બે જ અત્યાર લગીમાં બચ્યા હતા. ગરમી કહે મારું કામ ને તાવની સતામણી કહે મારું કામ. નોકરી મળે નહિ. હું સાવ પરતંત્ર ને એક બીમાર હોસ્પિટલમાં ને બાકીના એક અટૂલા જુદા દૂરના મકાનમાં. એટલે બધાની પરિચર્યાને પહોંચી વળવાનું કામ માત્ર હરજીવન ઉપર આવ્યું. હું તો માત્ર મોઢે સૂચના કરું કે હુકમ દઉં એટલું જ. હિંમત તો મારી જરાય તૂટી હોય તેમ યાદ નથી આવતું. પણ બીમારોની ચિંતા મને ઉજાગરા કરાવતી. કેટલાક દિવસ પસાર થયા ને મેં નક્કી કર્યું કે ઈચ્છે તે બીમારોને પોતપોતાના વતનમાં મોકલી દેવા.
અચાનક અનુકૂળ સંયોગ આવ્યો. મારા ને ભગવાનદાસના એકસરખા પરિચિત ને મિત્ર ગુજરાતથી આવી ચડેલા. તેમની સાથે ભગવાનદાસને સેકન્ડ ક્લાસમાં અમદાવાદ રવાના કરી દીધા. રમણીકલાલ ને તેમનાં પત્નીને પણ ત્યાર બાદ તે જ રીતે રવાના કર્યા. રવાના થતી વખતે રમણીકલાલે મને કહ્યું કે હું હવે અહીં ન આવું ને અમદાવાદ ગાંધીજીના આશ્રમમાં જોડાઉ તો કેમ ? એમ પણ કહ્યું કે આશ્રમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org