________________
૧૪૮ ૦ મારું જીવનવૃત્ત
તેથી કોઈ નોકર ન રાખતાં બધાં કામો અંદરોઅંદર જ વહેંચી પતાવી લેતા. એક બ્રાહ્મણી રસોઈ કરતાં લોટ તેમજ કણિકનો પિંડો ચોરી પહેરેલ કપડામાં સંતાડી લઈ જતાં એકથી વધારે વાર પકડાઈ ગઈ ન હોત તો તે નોક૨ વિના નભાવવાના અમારા વિચારનો અપવાદ જરૂર બનત. ઘી-દૂધ વિના ચલાવવાની પ્રથા તો અમે શરૂ કરી, પણ તેને ઠેઠ સુધી (ઈ. સ. ૧૯૨૦ના ઉનાળામાં અમે બધા વીખરાયા ત્યાં સુધીમાં) મારા સિવાય બીજું કોઈ અનુસર્યું નહિ. અમારી એ પ્રથા ઐચ્છિક હોઈ કોઈને બંધનકર્તા ન જ હતી. જાતમહેનત, કરકસર અને સાદાઈનો પ્રયોગ
હું એ પ્રથાને એટલા વખત લગી વળગી રહ્યો તેની પાછળ પણ મારો કોઈ આધ્યાત્મિક હેતુ ન હતો. બૌદ્ધિક પ્રવૃત્તિને તે આરોગ્યને નુકસાન પહોંચાડ્યા સિવાય ઓછામાં ઓછા કેટલા ખર્ચે જીવન ટકાવી શકાય છે એ જ આ પ્રયોગોનો મુખ્ય ઉદ્દેશ હતો. પરિણામે એ પ્રયોગના લાભાલાભ બંને મારા પૂરતા તો મેં અનુભવ્યા. પ્રાચીન ગ્રન્થોમાં ઋષિઓના સાત્ત્વિક ભોજન તરીકે વર્ણવાયેલ યાજ્ઞાન (જવ અને ભાત) તેમ જ શાકના ભોજનથી મારું શરીર તદ્દન હલકુંફૂલ રહેતું ને ઘી-દૂધ જેવી ચીજોના માદક કેફ વિના જ હું જમીને પણ તરત જ વાચન, ચિંતન ને લેખનના કામમાં પરોવાઈ જતો. લગભગ બધો વખત મનની સાત્ત્વિક્તા પણ ખૂબ સચવાતી. આ લાભ તે વખતે મારી દૃષ્ટિએ જેવો-તેવો ન હતો, પણ એની સાથોસાથ મારા શરીર ઉપર માઠી અસર પણ થઈ રહી હતી. જુવાની ને સંકલ્પના વેગને લીધે મેં એ માઠી અસરની પરવા ન કરી પણ છેવટે એ તરફ ધ્યાન આપવાની મને ફરજ તો પડી જ. પહેલેથી હરસ હતા જ ને હવે એણે ઉગ્ર રૂપ ધારણ કર્યું. હરસની એ જ ઉગ્રતાએ આગળ જતાં મને ઘીદૂધના સેવન દ્વારા શક્તિપૂર્તિ કરવા લલચાવ્યો. હું એમ ચોક્કસ માનું છું કે, હરસની ઉગ્રતા તે જવ વગેરેના સાદા તેમજ શુષ્ક ભોજનને આભારી ન હતી, પણ તેનું મૂળ કારણ તો વધારે પડતી બૌદ્ધિક પ્રવૃત્તિ ને લાંબા વખત લગી એક જ આસને બેસી કામ કર્યાં કરવું તે હતું. મુખ્ય લોભ બૌદ્ધિક પ્રવૃત્તિનો હતો તેથી હરસને લીધે પડતા ઘસારાની પુરવણી માટે દૂધ-ઘીના પરિમિત સેવન સિવાય બીજો ઉપાય જ ન હતો. મંડળના બીજા સભ્યો તો તેમને સોંપેલું ગમે તે શારીરિક કામ કરી શકે; પણ મારું શું? તેથી મેં રસોડાનાં સામૂહિક વાસણો ઊટકવાનું સગવડિયું કામ માથે લીધું. રમણીકલાલ ને હું બંને મળી ગમે તેટલાં અને ગમે તેવાં સામૂહિક વાસણો બહુ ચોકસાઈથી વિનોદપૂર્વક માંજી નાંખતા. અમને આવું કામ ક૨તાં જોઈ બધા વિદ્યાર્થીઓને પણ પોતપોતાના ભાગે આવતાં જુદાં જુદાં કામો કરવામાં ન હીણપત લાગતી કે ન કંટાળો આવતો. જાતમહેનતના આ પ્રયોગ દરમિયાન મેં એટલું અનુભવથી જોઈ લીધું કે, માણસ ધારે તો પોતાને ફાળે આવતાં કેટલાંય કામો કરવા છતાં જરા પણ ખલેલ પહોંચવા દીધા સિવાય પોતાની બૌદ્ધિક પ્રવૃત્તિ ઠીક ઠીક કરી શકે છે ને ગપગોળા તેમ જ અનિયમિતતામાં વેડફાતા સમયનો કાર્યસાધક ઉપયોગ કરી શકે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org