SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ • મારું જીવનવૃત્ત તેના તરફથી કે બાબુ ડાલચંદજી તરફથી ખર્ચની પૂરી છૂટ હતી ને કોઈપણ જાતની તંગી કે મુશ્કેલી હું ન ભોગવું એ તેમની ખાસ ખ્વાઈશ પણ હતી, પરંતુ સાદગી અને જાતમહેનતના આદર્શને અનુસરી મેં એવો વિચાર કર્યો કે, ઓછામાં ઓછા કેટલા ખર્ચે રસોડું ચલાવી શકાય છે અને આરોગ્યની રક્ષા સાથે ઈષ્ટ વિદ્યાયજ્ઞ ચાલુ રાખી શકાય છે તે દૃષ્ટિએ તંત્ર ગોઠવવું. ગાંધીજીના આશ્રમમાં ઘી-દૂધ જેવી વસ્તુઓ વિના જ રસોડું ચાલતું જોયેલું. ત્યાં આશ્રમવાસીઓ પોતે જ દળી લે છે એ પણ અનુભવેલું. તેથી એટલો નિર્ણય તો મેં જલદી કરી લીધો કે ઘી - દૂધ – દહીં વિના જ રસોડું ચલાવવું, ને દળવું પણ હાથે જેથી સરળ કસરત પણ થાય ને આરોગ્યપ્રદ લોટ પણ મળે. બે ઘંટીઓ પણ ખરીદી. આ વખતે પહેલું મહાયુદ્ધ પુરજોશમાં ચાલતું ને અનાજ તે સમયના પ્રમાણમાં બહુ મોંઘું હતું. ખોરાકમાં ચોખા, ઘઉં, જવ, દાળ ને ચણા એટલાં અનાજો ને તાજાં શાકો એટલું જ લેવાનું રાખ્યું. જવનો ઉપયોગ રોટલીમાં ને ઘઉંનો ઉપયોગ થૈલીમાં કરતા. ચણા શેકીને ખાવાના કામમાં આવતા. પાંચ જણ વચ્ચે રસોડાનો માસિક ખર્ચ રૂપિયા ૧૮થી ક્યારેય વધારે આવ્યો હોય એવું યાદ નથી. ઘી દૂધ – દહીં વધારે વસ્તુઓ ખાવાનો અભ્યાસ લાંબો અને પુષ્ટ એટલે તેના સ્વાદના સંસ્કારો કાંઈ મનમાંથી ગયા કે ભૂંસાયા ન હતા, પરંતુ અમુક આદર્શને અનુસરવા ખાતર જ એ સંસ્કારોને દબાવી અમે બધા ચાલીએ છીએ એનું મને સ્પષ્ટ ભાન હતું. આવશ્યક પોષણની દૃષ્ટિએ તેમજ સ્વાદના સંસ્કારોની દષ્ટિએ શરીર દૂધ – ઘી જેવાં પોષક દ્રવ્યો માંગે છે એમ જાણતો છતાં મનનો વેગ એવો હતો કે અમુક અંશે લેખનના અભ્યાસમાં સિદ્ધિ ન મળે ત્યાં લગી કોઈ પણ સંસ્થા ઉપર ખર્ચનું ભારણ બને તેટલું ઓછામાં ઓછું પડે તે રીતે વર્તવું. હરખચંદને એક બીજા રોકેલ હિંદી લેખક બંનેનો પગારખર્ચ માસિક અઢારેક આવતો. બાકીનો ખર્ચ કાગળ-પેન્સિલ-પુસ્તક આદિમાં થતો. કુલ બજેટ માસિક ચાલીશ રૂપિયાથી ન વધતું. આ સાદાઈનો એક અંશ થયો. દળવા ઉપરાંત જાતમહેનતમાં મુખ્ય તરવાની ક્રિયાને ગણાવી શકાય. ગંગાના ઊંડા અને વેગવાળા પ્રવાહમાં થોડી વાર પણ તરવું ને અડધો કલાક ઘંટીએ બેસવું એ મારા જેવા માટે તો પૂરતો શરીર – શ્રમ હતો, પરંતુ હરજીવન ને હરખચંદ બંને વધારે શ્રમ કરતા. દળે અને તરે પણ વધારે. ગંગામાંથી પાણીની બાલ્ટીઓ ભરી સંખ્યાબંધ પગથિયાં ચડી ઉપર લાવે ને શરીરશક્તિ મેળવે. આ ક્રમ પ્રમાણે ચાલતાં ચારેક મહિનામાં મેં જોયું કે હરજીવનની શકલ હવે સાવ બદલાઈ ગઈ છે. તેનો ખોરાક ઠીક ઠીક વધ્યો છે. તે બે હાથમાં બે ભરી બાલ્ટીઓ ઊંચકી ગંગામાંથી ઉપર લાવી શકે છે. ગંગામાં દૂર દૂર સુધી લાંબો વખત તરી શકે છે ને ઉધરસ કે ખીલનું તો નામેય નથી. આટલા ત્વરિત ફેરફારથી મારી સાથે તણાતા એ બંને ભાઈઓની પણ શ્રદ્ધા આદરેલ પ્રયોગ વિષે કાંઈક વધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy