________________ પંડિત સુખલાલજીનો જન્મ 8 ડિસેમ્બર ૧૮૮૦માં સુરેન્દ્રનગર પાસે આવેલ લીમડી નામના નાનકડા ગામડામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકથ્ય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી 1921 સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી 1930 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. 1944 બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં 97 વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા ‘મારું જીવનવૃત્ત' નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં ‘દર્શન અને ચિંતન'માં પ્રગટ થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org