________________
૮૪
ભારતીય તત્ત્વજ્ઞાન બુદ્ધિમત્તા વિના ઈશ્વર જગતનો ઘટી શકે નહિ. તેથી ઈશ્વરમાં બુદ્ધિગુણ તો માનવો જ જોઈએ. તેની બુદ્ધિ અતીત, અનાગત અને વર્તમાન બધા વિષયોને (=અર્થોને) પ્રત્યક્ષ જાણે છે. તેની બુદ્ધિ પરોક્ષજ્ઞાનરૂપ નથી. તેની બુદ્ધિ નિત્ય છે. તેની બુદ્ધિ નિત્ય હોઈ તેનામાં સંસ્કારગુણ સંભવતો નથી. તેને સંસ્કાર ન હોઈ સ્મૃતિ નથી. તેને દુઃખ નથી, કારણ કે દુઃખના કારણ અધર્મનો તેનામાં અભાવ છે. તેને દુઃખ ન હોવાથી તેનામાં વૈરાગ્ય પણ સંભવતો નથી. તેને દુઃખ ન હોવાથી તેનામાં ઠેષ પણ નથી. અલબત્ત, તેને અક્ષિણ અને સર્વ વિષયોમાં અવ્યાહત (=ફળીભૂત થનારી) ઇચ્છા છે. જેમ તેની બુદ્ધિ ક્લિષ્ટ નથી તેમ તેની ઈચ્છા પણ ક્લિષ્ટ નથી. જેમ તેની બુદ્ધિ સર્વ વિષયોને જાણે છે તેમ તેની ઈચ્છા બધા પદાર્થોને કરવા સમર્થ છે. જેમાં તેની બુદ્ધિ પોતાના કાર્યમાં અવ્યાહત છે-કોઈ પણ વિષયને જાણવાના તેના કાર્યમાં કોઈ બાધક બની શક્યું નથી, તેમ તેની ઇચ્છા પોતાના કાર્યમાં અવ્યાહત છે અર્થાત્ ઇચ્છાને અનુરૂપ ફળ (=કાર્ય) તરત જ ઉત્પન્ન થાય છે.”
ઈશ્વર બદ્ધ છે કે મુક્ત? તે બદ્ધ નથી કારણ કે તેનામાં સદા દુઃખનો અભાવ હોઈ તે અબદ્ધ જ છે. તે મુક્ત નથી કારણ કે જે બદ્ધ હોય તેની બાબતમાં જ મુક્ત થવું સંભવે છે; ઈશ્વરને તો કદીય બંધન હતું જ નહિ. તેથી તે મુક્ત પણ નથી."
કોઈ શંકા ઉઠાવે છે કે ઈશ્વરનો જીવાત્માઓ સાથે કોઈ સંબંધ ઘટતો નથી એટલે ઈશ્વરને તેમનાં અદષ્ટનો પ્રેરક-અધિષ્ઠાતા માની શકાય નહિ. અર્થાત્ જીવાત્માઓમાં સમવાય સંબંધથી રહેતા ધર્માધર્મનો ઈશ્વર સાથે ન તો સાક્ષાત્ સંબંધ છે ન તો પરંપરાથી; અને જેની સાથે ઈશ્વરનો કોઈ સંબંધ નથી એવા ધર્માધર્મને ઈશ્વર કેવી રીતે પ્રેરી શકે, અને અપ્રેરિત તેઓ અચેતન હોઈ પોતાનું યોગ્ય કાર્ય કરવામાં પ્રવૃત્ત કેવી રીતે થઈ શકે?
ઉપરની શંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સંબંધ છે. ક્યો સંબંધ છે? સંયોગસંબંધ. “વિશેષિક મતે સંયોગ ગુણ છે અને તે કર્મજન્ય હોઈ અનિત્ય હોય છે. તેથી બે વિભુ દ્રવ્યો વચ્ચે સંયોગસંબંધ ઘટે નહિ. ઈશ્વર અને જીવાત્મા વિભુ છે. એટલે તેમની વચ્ચે સંયોગસંબંધ ઘટે નહિ'-આવી શંકાના ઉત્તરમાં ઉદ્યોતકર કહે છે કે અમે (નૈયાયિકો) તો અજ (= નિત્ય) સંયોગનો સ્વીકાર કરીએ છીએ. ઈશ્વર અને જીવાત્મા વચ્ચે અજ સંયોગસંબંધ છે. જેઓ (=વૈશેષિકો) અજ સંયોગ નથી માનતા તેઓ મનના માધ્યમથી ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સંબંધ સ્થાપે છે. મનનો ઈશ્વર સાથે સંયોગસંબંધ છે જ અને ઈશ્વર સાથે સંયુક્ત મનનો જીવાત્મા સાથે સંબંધ છે. આમ ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સંબંધ તેઓ ઘટાવે છે.
ઈશ્વર અને જીવાત્મા વચ્ચેનો અજ સંયોગસંબંધ વ્યાપક છે કે અવ્યાપક અર્થાત્ તે સંબંધ તેના પ્રત્યેક સંબંધીને વ્યાપીને રહે છે કે તે પ્રત્યેક સંબંધીના અમુક ભાગમાં જ રહે છે? આ પ્રશ્ન અવ્યાકરણીય છે. અર્થાત, આત્મા અને ઈશ્વર વચ્ચે અજ સંયોગસંબંધ છે એટલું જ કહી શકાય છે, એથી વિશેષ કંઈ કહી શકાતું નથી. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org