SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પણ અમુક સંપ્રદાયનું રૂઢ શિક્ષણ તે સંપ્રદાય પૂરતું પણ સરળ, પ્રામાણિક અને પરાર્થી જીવન સાધતું હોય, તોય ધાર્મિક શિક્ષણનો વિરોધ કરનારને વિરોધ કરવાનું પૂરતું કારણ ન મળે, પણ ઇતિહાસ બીજી જ કથા કહે છે. કોઈ એક સંપ્રદાયના મુખિયાજી મનાતા ધર્મગુરુઓને લઈ વિચાર કરીએ, કે આગેવાન ગણાતા ગૃહસ્થોને લઈ વિચાર કરીએ, તો જણાશે કે દરેક ધર્મગુરુ આડંબરી જીવનમાં રસ લે છે અને ભોળાં માણસોમાં એ આડંબરને ધર્મને નામે પોષે છે. જે નાણાં, જે શક્તિ અને જે સમય દ્વારા તે સંપ્રદાયના અનુયાયીઓનું આરોગ્ય સાધી શકાય, તેમને કેળવણી આપી શકાય, તેમને ધંધો શીખવી સ્વાવલંબી જીવન જીવતાં બનાવી શકાય, તે જ નાણાં, શક્તિ અને વખતનો ઉપયોગ મોટે ભાગે દરેક ધર્મગુરુ પોતાની આડંબર–સજ્જિત જીવન ગાડી ધકેલવામાં કરે છે. પોતે શરીરશ્રમ છોડે છે, પણ શરીરશ્રમનાં ફળોનો ભોગ નથી છોડતાં. પોતે સેવા દેવી છોડે છે, પણ સેવા લેવી છોડતા નથી. બને તેટલી વધારેમાં વધારે જવાબદારી ફેંકી દેવામાં ધર્મ માને-મનાવે છે, પણ પોતા પ્રત્યે બીજા જવાબદારી ન ચૂકે એની પૂરી કાળજી રાખે છે – જેવી રીતે રાજાઓ. એ જ રીતે તે સંપ્રદાયના રૂઢ શિક્ષણરસિક આગેવાન ગૃહસ્થો પોતાના જીવનમાં સદાચાર વિનાના હોય છે. અને ગમે તેટલાંના ભોગે પણ ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે પૂંજી એકત્ર કરવાના મોહ સેવતા હોય છે. અનુકૂળ ના હોય ત્યાં લગી ધંધામાં પ્રામાણિકપણું અને કાંઈક જોખમ આવતાં દેવાળું કાઢવાની રીત - આ વસ્તુસ્થિતિ હોય ત્યાં લગી ગમે તેટલી લાગવગ વાપરવામાં આવે, છતાં દઢ ધર્મશિક્ષણ વિષે સ્વતંત્ર અને નિર્ભય વિચારકનો આંતરિક–બાહ્ય વિરોધ રહેવાનો જ. જો વસ્તુસ્થિતિ આવી છે અને ચાલવાની છે તો વધારે સુંદર અને સલામત માર્ગ એ છે કે બંને પક્ષ સંમત હોય એવા જ ધર્મતત્ત્વના શિક્ષણનો પ્રબંધ જાગરૂકપણે થવો જોઈએ. એવા ધર્મતત્ત્વમાં મુખ્ય બે અંશો આવે છે એ વર્તનનો અને બીજો વિચારનો. જ્યાં લગી વર્તનના શિક્ષણનો સંબંધ છે ત્યાં લગી નિરપવાદ એક જ વિધાન સંભવે છે કે જો કોઈને સદ્વર્તનનું શિક્ષણ આપવું હોય તો તે સદ્વર્તન જીવીને જ શીખવી શકાય; એ કદી વાણીથી શીખવી ન શકાય. સદ્વર્તન વસ્તુ એવી જ છે કે તે વાણીમાં ઊતરતાં ફીકી પડી જાય છે અને જો તે કોઈના જીવનમાં અંદરથી ઊગેલી હોય તો તે બીજાને ઓછેવત્તે અંશે વળગ્યા વિના રહેતી જ નથી. આનો અર્થ એ થયો કે માનવતા ઘડનાર ને પોષનાર જે જે જાતનું સદ્વર્તન સમાજમાં કે સંસ્થામાં દાખલ કરવું હોય તે તે જાતનું સદ્વર્તન ગાળનાર કોઈ પણ સાચી વ્યક્તિ જ ન હોય ત્યાં લગી તે સમાજમાં કે તે સંસ્થામાં સદ્વર્તનના શિક્ષણનો પ્રશ્ન હાથ ધરવો એ નરી બાલિશતા છે. માબાપ કે બીજા વડદલા બાળકોને કે નાનેરાંઓને ઘડવા માગતા હોય, તો તેમણે પોતાના જીવનમાં તેનું ઘડતર સચોટપણે દાખલ કરવું જોઈએ અને એમ તેઓ ન કરે તો પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy