________________
૨૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નથી ગાતા. એ જ રીતે તેઓ દુનિયાના કોઈ પણ બીજા ધર્મપંથની પેઢીની પુષ્કળ દોલતને ધાર્મિક દોલત નથી ગણતા. જો આમ છે તો એ પણ ખુલ્લું છે કે બીજા પંથના પોષકો પહેલા પંથના પોષકોના આડંબર તેમજ તેની પેઢીઓને ધાર્મિક ન ગણે. જો બંને એક બીજાને અધાર્મિક જ લેખે તો આપણે શું માનવું ? શું બધા ધર્મપંથના આડંબરો ધાર્મિક છે કે કોઈ એક પંથના જ કે બધા જ પંથના આડંબરોને ધર્મ સાથે કશી લેવાદેવા નથી? આપણી વિવેકબુદ્ધિ જાગરિત હોય તો આપણે જરા પણ મુશ્કેલી સિવાય નક્કી કરી શકીએ કે માનવતાને ન સાંકળે, એમાં અનુસંધાન પેદા કરે એવા ગુણો ન પ્રગટાવે તેવી કોઈ પણ બાબત ધાર્મિક હોઈ જ ન શકે; એને ધર્મભાવના કહી જ ન શકાય.
અનુયાયીવર્ગમાં ઉપરની સમજ પેદા કરવી, તે જ સમજ ઝીલવા અને બીજાને કહેવા જેટલું નમ્ર સાહસ કેળવવું એ જ ધર્મનું શિક્ષણ છે. આ શિક્ષણ લઈએ તો આપણને સ્પષ્ટપણે જણાય કે ધર્મ કયો છે? આપણને એ શિક્ષણ દીવા પેઠે બતાવી શકે કે ધર્મ એ એના આત્મામાં છે અને તેનો આત્મા એટલે જીવનમાં સદાચાર અને સદ્ગણી વર્તન. આવો આત્મા હોય તો દેહની કિંમત છે, પણ આત્મા ન હોય તો તે દેહની મડદાથી જરાય વધારે કિંમત નથી. જાતજાતના પંથ ઊભા કરેલ દેહોના આશરા વિના પણ ધર્મનો આત્મા જીવનમાં પ્રકટી શકે અને એવા દેહોનો ગમે તેટલો આશ્રય લેવા છતાં પણ ઘણી વાર એ આત્માનું જીવન જીવી ન શકાય.
ઉપરની બધી ચર્ચાનો સાર એટલો જ છે કે સાધનોની તંગીવાળા અને અનેક જાતની મુશ્કેલીવાળા આ યુગમાં માનવતાને સાધવાનો અને તેને જીવવાનો એક જ ઉપાય છે, અને તે એ કે આપણે ધર્મની ભ્રમણા અને તેના વહેમોથી જલદી મુક્તિ મેળવીએ અને અંતરમાં ધર્મનો સાચો અર્થ સમજીએ.
- શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણમહોત્સવ અંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org