SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળપ્રવચન. ૭ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃતિની સાધના હજારો વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. તેમ છતાં ધર્મનું નામ સૂગ ઉપજાવનારું થઈ પડ્યું છે અને તત્ત્વજ્ઞાન એ નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે. એનું શું કારણ ? એ આજનો પ્રશ્ન છે. એનો ઉત્તર ધર્મગુરુ, ધર્મશિક્ષણ અને ધર્મસંસ્થાઓની જડતા તેમ જ નિષ્ક્રિયતામાંથી મળી જાય છે. ધર્મ કે તત્ત્વજ્ઞાન પોતે તો જીવનનું સર્વવ્યાપી સૌરભ છે. એમાંથી આવતી દુર્ગંધ એ તેના દાંભિક ઠેકેદારોને લીધે છે. જેમ કાચું અન્ન અજીર્ણ કરે અને વાસી કે સડેલું અન્ન દુર્ગંધ ફેંકે તેથી ભોજનમાત્ર ત્યાજ્ય બનતું નથી અને જેમ તાજા અને પોષક અન્ન વિના જીવન ચાલતું જ નથી, તેમ જડતાપોષક ધર્મનું કલેવર ત્યાજ્ય છતાં સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી. વ્યક્તિની બધી શક્તિઓ, સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં યોજાય ત્યારે જ ધર્મ યા સંસ્કૃતિ ચરિતાર્થ થાય છે. ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વિકૃત સમજ દૂર કરવા અને સૈકાઓ-જૂના વહેમોનું મૂલ ઉચ્છેદવા વાસ્તે પણ સંસ્કૃતિની સાચી અને ઊંડી સમજ આવશ્યક છે. આ દૃષ્ટિએ ગાંધીજી - આપણે જાણીએ છીએ કે ગાંધીજી એક મહાન રાજપુરુષ છે. તેમની રાજકીય પ્રવૃત્તિ અને હિલચાલના મૂળમાં સતત વહેતો અમૃત ઝરો પૂરો પાડનાર કોઈ અખૂટ ઊગમસ્થાન હોય તો તે તેમની સંસ્કૃતિ વિષયક સાચી સમજ છે. તેમની નિર્ણાયક શક્તિ, સુનિર્ણયને વળગી રહેવાની મક્કમતા અને ગમે તેના ગમે તેવાં જુદાં પડતાં દૃષ્ટિબિંદુઓને સહાનુભૂતિથી સમજવાની મહાનુભાવતા – એ બધું તેમની સંસ્કૃતિની સાચી સમજને જ આભારી છે. એ સિવાય તેમની પાસે બીજું કશું ધર્મબળ નથી. આવી સંસ્કૃતિપ્રધાન વિદ્યાનું વાતાવરણ રચવું એ જેમ સંસ્થાના સંચાલકો અને શિક્ષકો પ૨ અવલંબિત રહે છે તેમ વિદ્યાર્થીઓ ઉપર પણ તેનો ઘણો આધાર છે. ધંધાદારી અને કુટુંબપતિને આપણે એમ માનીએ છીએ કે જે કાંઈ શીખવાનું છે તે તો માત્ર વિદ્યાર્થીઓને જ શીખવાનું છે અને આપણે ધંધાદારી કે કુટુંબમાં પડેલા શું શીખીએ ? અને કેવી રીતે શીખી શકીએ ? પણ, આ માન્યતા સાવ ભૂલભરેલી છે. મૉન્ટેસૉરીની શિક્ષણપદ્ધતિમાં માત્ર શિશુ અને બાળકના જ શિક્ષણ ઉપર ભાર નથી અપાતો, પણ તેના વડીલો સુધ્ધાંમાં સુસંસ્કારનું વાતાવરણ જમાવવાની હિમાયત કરાય છે; કેમ કે, એમ થાય તો જ શિશુઓ અને બાળકોનું જીવન ઘર અને શાળાના સંસ્કારભેદની અથડામણી વચ્ચે વેડફાતું અટકે. તે જ રીતે મોટી ઉંમરના વિદ્યાર્થીઓની બાબતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy