________________
૧૭૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કાંઈ કામ કેમ નથી કરી શકતા? તમારી કોમી અને પંથી ભાવનાએ તમારા નાનકડા જ સમાજમાં સેંકડો ભેદોપભેદ જન્માવી ક્રિયાકાંડનાં કલ્પિત જાળાંઓની વાડ ઊભી કરી તમારા પોતાને જ માટે જ્યારે કાંઈ કરવાનું શક્ય રાખ્યું નથી ત્યારે વળી અમે એ વાડામાં પુરાઈ વધારે લીલું શું કરવાના હતા? આ રીતે જૂના સાંપ્રદાયિક અને નવા રાષ્ટ્રીય માનસ વચ્ચે સંઘર્ષણ ચાલતું રહ્યું, જે હજી પણ ચાલે છે.
વિચારસંઘર્ષણ અને વધારે ઊહાપોહથી, જેમ રાષ્ટ્રીય મહાસભાનું ધ્યેય અને તેનો કાર્યક્રમ વધારે સ્પષ્ટ અને વધારે વ્યાપક બન્યો છે તેમ નવી પેઢીનું માનસ પણ વધારે સમજણું અને વધારે અસંદિગ્ધ બન્યું છે. અત્યારનો તરુણ ખ્રિસ્તી એમ સ્પષ્ટપણે સમજે છે કે ગરીબો અને દુઃખીઓની વહારે ધાવાનો ખ્રિસ્તનો પ્રેમસંદેશ જીવનમાં સાચી રીતે ઉતારવો હોય તો તે વાસ્તે હિંદુસ્તાનમાં રહી રાષ્ટ્રીય મહાસાભા જેટલું બીજું વિશાળ અને અસંકુચિત ક્ષેત્ર મળવાનું શક્ય જ નથી. આર્ય સમાજની નવી પેઢીનો પણ નિશ્ચય છે કે સ્વામી દયાનંદે ઉપસ્થિત કરેલ બધો જ કાર્યક્રમ તેમનાય દૃષ્ટિબિંદુ કરતાં વધારે વ્યાપક દૃષ્ટિબિંદુથી અને વધારે વિશાળ ક્ષેત્રમાં અમલમાં મૂકવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. મુસ્લિમ નવીન પેઢી પણ પોતાના પેગમ્બર સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને કોંગ્રેસના પંડાલમાં જ મૂર્તિમાન થતો જોઈ રહી છે. કૃષ્ણના વંશજ અને ભક્તોની નવ પેઢી તેમના કર્મયોગની શક્તિ કોંગ્રેસમાં જ જોવા પામે છે, નવી જેન પેઢી પણ મહાવીરની
અહિંસા કે અનેકાંતદષ્ટિની વ્યવહાર તેમજ તાત્ત્વિક ઉપયોગિતા કોંગ્રેસના કાર્યક્રમ સિવાય અન્યત્ર જોતી જ નથી. આમ હોવાથી અત્યારે જૈન સમાજમાં એક જાતનો ક્ષોભ ઊભો થયો છે તે, જેનાં બીજ તો ઘણા દિવસો અગાઉ વવાયાં જ હતાં. અત્યારે વિચારક યુવકો સામે મુદ્દો એ છે કે તેમણે પોતાના વિચાર અને કાર્યનીતિ પરત્વે આખરી ફેંસલો ઘડી જ કાઢવો જોઈએ, જેથી જેને સમજાય તે એ ફેંસલાને અનુસરે, જેને ન સમજાય એ ભલે જૂની ઘરેડ તરફ ચાલ્યા કરે. હવે પછીની નવીન પેઢી વાસ્તે પણ તદ્દન ચોખા શબ્દોમાં એવા ફેંસલા અને કાર્યક્રમની અનિવાર્ય જરૂર છે.
હું સ્પષ્ટપણે જોઉં છું અને માનું છું કે રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય, તેની વિચારસરણી અને તેના કાર્યપ્રદેશમાં અહિંસા અને અનેકાન્તદૃષ્ટિ, જે જૈનત્વના પ્રાણ છે તે, વધારે તાત્ત્વિક રીતે અને વધારે ઉપયોગીપણે કામ કરી રહ્યાં છે. હા, કોંગ્રેસના પંડાલનાં આસનો ઉપર પીત કે શ્વેત વસ્ત્રધારી યા નગ્નમૂર્તિ જૈન સાધુઓ બેઠેલા નહિ દેખાય, ત્યાં તેમના મોઢેથી નીકળતી અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યા તેમજ અહિંસાના રક્ષણ માટે જ પ્રશસ્ત હિંસા કરવાની વાગ્ધારા નહિ સંભળાય એ ખરું. ત્યાં ભગવાનની મૂર્તિઓ, તેમની પૂજા વાસ્તેની ફૂલની છાબડીઓ, સુગંધી દ્રવ્યો, આરતીના ઘંટનાદો એ પણ નહિ જ હોવાનાં. ત્યાં કોઈ ચાલતા વ્યાખ્યાને “તહત્તિ, તહત્તિ,” કરનાર ભક્તો કે ગફૂલી ગાનાર બહેનો પણ નહિ મળવાની. કોંગ્રેસના રસોડે ઉપધાન તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org