________________
૧૨૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પૂરો થતો નથી. એનાં ઘણાં પાનાં હજી લખાવાનાં બાકી જ છે. તિલકે એ દલીલ માન્ય ન રાખી, પણ તિલકના ઉપર એટલી છાપ તો પડેલી હતી જ કે આ દલીલ કરનાર કાંઈ માત્ર બોલનાર નથી. એ તો કહે તે કરી બતાવનાર છે, અને વળી તે સાચો છે; એટલે તિલકથી એ સામેના કથનને એકાએક ઉવેખી શકાય એમ તો હતું જ નહિ અને ઉવેખે તોયે પેલો સત્યપ્રાણ ક્યાં કોઈની દરકાર કરે એમ હતો? - અહિંસા-ધર્મના સમર્થ બચાવકારના વલણથી જૈનોને ઘેર લાપશીનાં આંધણ મુકાયાં. સૌ રાજી રાજી થયા. સાધુઓ અને પાટપ્રિય આચાર્યો સુધ્ધાં કહેવા લાગ્યા કે જુઓ, લાલાજીને કેવો જવાબ વાળ્યો છે? મહાવીરની અહિંસા ખરેખર ગાંધીજી જ સમજ્યા છે. સત્ય કરતાં અહિંસાને પ્રધાનપદ આપનાર જૈનો વાસ્તે અહિંસાનો બચાવ જ મુખ્ય સંતોષનો વિષય હતો. એમને રાજ્યપ્રકરણમાં ચાણક્યનીતિ અનુસરાય કે આત્યંતિક સત્યનીતિ અનુસરાય તેની બહુ પડી ન હતી, પણ ગાંધીજીનું વલણ સ્પષ્ટ થયા પછી જેનોમાં સામાન્ય રીતે સ્વધર્મવિજયની જેટલી ખુશાલી વ્યાપેલી તેટલી જ વૈદિક અને મુસલમાન સમાજના ધાર્મિક લોકોમાં તીવ્ર રોષવૃત્તિ પ્રગટેલી. વેદભક્ત આર્યસમાજીઓ જ નહિ, મહાભારત, ઉપનિષદ અને ગીતાના ભક્તો સુધ્ધાંમાં એવો ભાવ જન્મેલો કે ગાંધી તો જેન લાગે છે. એ વૈદિક કે બ્રાહ્મણ ધર્મનો મર્મ તિલક જેટલો જાણતો હોય તો અહિંસા અને સત્યની આટલી આત્મત્તિક અને ઐકાન્તિક હિમાયત ન કરત. કુરાનભક્ત મુસલમાનો ચિડાય એ તો સહજ જ હતું. બધું ગમે તે હોય, પણ આ તબક્કે, જ્યારે કે કોંગ્રેસના કાર્યપ્રદેશમાં ગાંધીજીનો હાથ લંબાતો અને મજબૂત થતો હતો ત્યારે, સૌથી વધારેમાં વધારે અનુકૂળ આવે અને ધર્મ ગણાય એવી રીતે કોંગ્રેસનાં દ્વારો જૈનો વાસ્તે ખુલ્લાં થયાં હતાં. આ સાથે એ પણ કહી દેવું જોઈએ કે જો હિંદુસ્તાનમાં જેનો જેટલા કે તેથીયે ઓછા પણ લાગવગવાળા બૌદ્ધ ગૃહસ્થો અને ભિખુઓ હોત તો તેમને વાસ્તે પણ કોંગ્રેસનાં દ્વારો ધર્મદષ્ટિએ ખુલ્લાં થયાં હોત.
હું ધારું છું કે ઉપરનું સંક્ષિપ્ત વર્ણન સાંપ્રદાયિક મનોવૃત્તિ સમજવા વાસ્તે પૂરતું છે. સાંપ્રદાયિક ભાવનાથી મન એટલું બધું નાનું તેમજ નિષ્ક્રિય જેવું થઈ જાય છે કે તેને વિશાળ કાર્યપ્રદેશ તરફ વળવાનું અને સક્રિયપણે દાખવવાનું સૂઝતું નથી. તેથી જ જ્યારે તિલક અને લાલાજીની ભાવના રાજકીય ક્ષેત્રમાં મુખ્ય ભાગ ભજવતી ત્યારે પણ મહાભારત, ગીતા અને ચાણક્યનીતિના ભક્ત કટ્ટર હિંદુઓએ, કટ્ટર સંન્યાસીઓએ કોંગ્રેસને પોતાનું કાર્યક્ષેત્ર ન જ માન્યું. તેઓ એક કે બીજું બહાનું કરી પોતાની ધાર્મિકતા કોંગ્રેસની બહાર રહેવામાં જ સાબિત કરતા. એ જ રીતે જ્યારે ગાંધીજીની સત્ય અને અહિંસાની તાત્વિક દષ્ટિ રાજકીય ક્ષેત્રમાં દાખલ થઈ ત્યારે પણ અહિંસાના અનન્ય ઉપાસક અને પ્રચારક તરીકે પોતાની જાતને માનતા-મનાવતા કટ્ટર જૈન ગૃહસ્થો અને જૈન સાધુઓ કોંગ્રેસના દરવાજાથી દૂર જ રહ્યા, અને તેની બહાર રહેવામાં જ પોતાના ધર્મની રક્ષા કરવાનો સંતોષ પોષવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org