________________
:
શાસ્ત્રમર્યાદા • ૧૧૫ નથી આવતો. એ જ રીતે જીવનમાં ઓછુવતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલુ ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવાં ક્ષેત્રોમાં ઊભા થતા કોયડાઓને ઉકેલવાની તેમજ વાસ્તવિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળાંઓ ઉઘાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. તેથી જરૂરનું એ છે કે સાચું જૈનત્વ શું છે એ સમજી જીવનમાં ઉતારવું અને બધાં જ ક્ષેત્રમાં ઊભી થતી મુશ્કેલીઓનો નિકાલ કરવા માટે જેનત્વનો શી શી રીતે ઉપયોગ કરવો, એની પ્રજ્ઞા વધારવી.
હવે આપણે જોઈએ કે સાચું જૈનત્વ એટલે શું? અને તેના જ્ઞાન તથા પ્રયોગ વડે ઉપરના પ્રશ્નોનો અવિરોધી નિકાલ કેવી રીતે આવી શકે? આવું જૈનત્વ એટલે સમભાવ અને સત્યદૃષ્ટિ, જેને જૈન શાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમજ અનેકાન્તદૃષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખો છે, અથવા તો પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજ્વળ કરે છે, જ્યારે બીજું દૃષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો એમ કહેવું જોઈએ કે જીવનની તૃષ્ણાનો અભાવ અને એકદેશીય દૃષ્ટિનો અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે. જેણે ખરું જૈનત્વ પૂર્ણપણે અગર તો ઓછાવત્તા પ્રમાણમાં સાધ્યું હોય તેવી વ્યક્તિઓના સમાજ બંધાતા જ નથી, અને બંધાય તોપણ તેમનો માર્ગ એવો નિરાળો હોય છે કે તેમાં અથડામણીઓ જ ઊભી થતી નથી, અને થાય છે તો સત્વર તેનો નિકાલ આવી જાય છે.
જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાગાંઠ્યાં દરેક કાળમાં હોય છે તે તો જૈનો છે જ, અને એવા જેનોના શિષ્યો અગર પુત્રો – જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હોતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજો અગર પાળેલ ધૂળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધાં – જૈન સમાજનાં અંગો છે. ગુણજૈનોનો વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ઘડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિસંવાદ નથી હોતો, જ્યારે સામાજિક જૈનોમાં એથી ઊલટું હોય છે. તેમનો બાહ્ય વ્યવહાર તો ગુણજૈનોના વ્યવહારવારસામાંથી જ ઊતરી આવેલો હોય છે, પણ તેમનામાં આંતરિક વિકાસનો છાંટોય નથી હોતો. તેઓ તો જગતના બીજા મનુષ્યો જેવા જ ભોગતૃષ્ણાવાળા અને સાંકડી દૃષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનનો વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસવાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણોની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઊભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org