________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
જે ત્રણે લોકના, ત્રણે કાળના સર્વ ભાવો જાણે તે જ સર્વજ્ઞ કહેવાય છે. તેથી તેવા સર્વજ્ઞ ૠષભદેવ - અજિતનાથ ઇત્યાદિ વ્યક્તિ સ્વરૂપે ભલે જુદા જુદા હોવાથી અનેક હોય, પરંતુ પૂર્ણ જ્ઞાનવાળા હોવાથી, મોહના વિકારો વિનાના હોવાથી અને અલ્પ પણ અજ્ઞાનતા ન હોવાથી, અભિપ્રાયમાં=જ્ઞાનની માત્રામાં સર્વે સર્વજ્ઞો સમાન છે. અર્થાત્ એક છે. પરંતુ જુજુઆ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા નથી. વ્યક્તિસ્વરૂપે સર્વજ્ઞ ભલે અનેક હો. પરંતુ જ્ઞાનની માત્રામાં અભિપ્રાયમાં તે સર્વે એક જ છે, તેઓની ધર્મદેશના પણ સમાન જ હોય. જો ભિન્ન અભિપ્રાય ધરાવતા હોય તો તે સર્વજ્ઞ કહેવાય જ નહીં. પરિપૂર્ણ જ્ઞાનમાં અને તેઓની દેશનામાં પરસ્પર ભેદ કદાપિ સંભવતો નથી.
૧૨૦
અત્યાર સુધી મિથ્યાત્વમોહનીયના ઉદયનું અને અવેઘસંવેદ્યપદનું બહુ જ જોર હતું. તેથી પોતાના મનમાન્યા દેવને જ આ જીવ સાચા સર્વજ્ઞ માનતો હતો. અને બીજા દર્શનના માનેલા સર્વજ્ઞની સર્વજ્ઞતા ખામી ભરેલી માનતો હતો. આપણે છદ્મસ્થ લોકો ભિન્ન ભિન્ન છદ્મસ્થ એવા જ્ઞાનીઓને જ્ઞાની માનવા છતાં હીનાધિક જ્ઞાની માનીએ તેવી રીતે સર્વજ્ઞોમાં પણ હીનાધિકપણે સર્વજ્ઞતા માનીને સર્વજ્ઞોની સર્વજ્ઞતામાં પણ આ જીવ ભેદ સ્વીકારતો હતો. તેથી જ એક પ્રત્યે ભક્તિભાવ અને બીજા સર્વજ્ઞ પ્રત્યે દ્વેષભાવ દર્શનભેદના અનુયાયીમાં વર્તાતા હતા - તે બધું જ હવે નષ્ટપ્રાય થઈ જાય છે. બુદ્ધિ ઘણી જ નિર્મળ થઈ જાય છે. પોતપોતાના દર્શનોનો પક્ષપાત અને અન્ય દર્શનોનો દ્વેષ ટળી જાય છે. જો તેઓ સર્વને જાણતા હોય તો એક-સમાન જ હોય અને જો હીનાધિકપણે ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવતા હોય તો તેઓ સર્વજ્ઞ ન હોઈ શકે. આવી સમજ બરાબર મજબૂત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org