________________
-
૯૨ શ્રી મહારાષ્ટ્રદેશમાં શ્રી પ્રતિષ્ઠાન નામનું નગર હતું. ત્યાં ચૌદ વિદ્યાના પારગામી અને પવિધકર્મના મર્મને જાણનારા ભદ્રબાહુ નામના બ્રાહ્મણ હતા. તેમને પરમપ્રેમનું પાત્ર વરાહમિહિર નામનો એક નાનો ભાઈ હતો. તે ગામમાં એક વખત ચૌદપૂર્વધારી “શ્રી યશોભદ્રસૂરિજી” પધાર્યા. ધર્મદેશના સાંભળવા માટે ત્યાં જતા લોકોને જોઈ વરાહમિહિર સાથે ભદ્રબાહુ પણ સૂરિવર પાસે ગયા. તેમની અમોઘ દેશના સાંભળી બન્ને ભાઈ વૈરાગ્યવાસિત થઈ દીક્ષિત થયા. બન્ને ભાઈઓએ ગુરુજી પાસેથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વધારી થયા. આચાર્યશ્રીને આર્યસંભૂતિવિજય નામના બીજા પણ શિષ્ય હતા. કાલક્રમે શ્રી યશોભદ્રસૂરિજી ભદ્રબાહુજીને અને સંભૂતિવિજયજીને યોગ્ય પાત્ર સમજી આચાર્યપદે નિયુક્ત કરી સંલેખના આદરી સ્વર્ગવાસી થયા. ભદ્રબાહુજીની આચાર્યપદે નિયુકિત થયેલી જાણીને વરાહમિહિર મનમાં દુઃખી થયા. ભદ્રબાહુજી પોતાના જ મોટાભાઈ હોવા છતાં મોહના ઉદયથી તેમના પ્રત્યે અપ્રીતિ જન્મી. સંયમાદિ ગુણોરૂપી પર્વત ઉપર ચડ્યા હોવા છતાં કષાયોની તીવ્રતાના કારણે દોષોરૂપી કૂવામાં તે વરાહમિહિર પડ્યા. તેથી શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથો ભણીને પોતાના નામથી અંકિત “વારાહી સંહિતા” નામનું મહાન જ્યોતિષ શાસ્ત્ર બનાવ્યું. આ શાસ્ત્ર જૈનશાસ્ત્રોમાંથી બનાવ્યું હોવાથી ઘણું ખરું સાચું હતું. અને સાચું પડતું. તેથી લોકમાં પ્રસિદ્ધિ પામ્યું. તથા મંત્ર-તંત્રાદિના પ્રયોગો કરવા દ્વારા લોકોના મનને રંજિત કરવા લાગ્યા. પોતાની પ્રસિદ્ધિ માટે “હું બારવર્ષ સૂર્યલોકમાં રહ્યો છું. સૂર્ય ભગવાને મને સૂર્યના ઉદય, અસ્ત, વક્રાદિગતિ, નક્ષત્રો અને ગ્રહોનો સંચાર બતાવ્યો છે. પછી મને લોકોના ઉપકાર માટે જ સૂર્ય ભગવાને પૃથ્વીતલ ઉપર મોકલ્યો છે.” ઇત્યાદિ વાર્તા પ્રસારિત કરી, લોકોને અતિશય ખુશ કરવા લાગ્યા. લોકો પણ તેમના ઉપર ઘણી ઘણી જ પ્રીતિ-બહુમાન અને ભકિતભાવવાળા થયા. રાજા પણ તેના પ્રત્યે સન્માનવાળો થયો. આ વરાહમિહિર રાજમાન્ય થવાથી લોકોમાં વરાહમિહિરની પ્રતિષ્ઠા વધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org