________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
જયંત કોઠારી
આપણે જાણીએ છીએ કે મધ્યકાળનું ઘણું ગુજરાતી સાહિત્ય હજુ હસ્તપ્રતોમાં દટાયેલું પડ્યું છે. ગુજરાતી સાહિત્યકોશના પહેલા ખંડનાં મંડાણ થયાં ત્યારે પ્રારંભે જ પ્રશ્ન ઊભો થયો હતો કે સાહિત્યકોશનો વ્યાપ ક્યાં સુધી રાખવો ? એમાં મુદ્રિત સાહિત્યની જ નોંધ લેવી કે હસ્તપ્રત રૂપે રહેલા સાહિત્યની પણ ? એક અભિપ્રાય એવો હતો કે મુદ્રિત સાહિત્યની જ નોંધ લેવી, ગુજરાતના અનેક હસ્તપ્રતભંડારોમાં પડેલા સાહિત્ય સુધી પહોંચવાનું કામ તો ઘણું શ્રમભર્યું, લાંબું અને અગવડભર્યું પણ બની રહે, ભલે અમારે ભંડારોએ રાખેલાં ચોપડા અને કાર્યસૂચિઓ જ જોવાનાં હોય. બીજી બાજુથી આપણા સાહિત્યના ઇતિહાસોએ પણ હસ્તપ્રત રૂપે રહેલા કેટલાક સાહિત્યની નોંધ લીધેલી જ છે, તો કોશ એની નોંધ લેવામાંથી કેમ બચી શકે એ પ્રશ્ન પણ થતો હતો. છેવટે હસ્તપ્રતભંડારોની જે સૂચિઓ મુદ્રિત રૂપે મળતી હોય તેમાંના ગુજરાતી સાહિત્યને કોશમાં સ્થાન આપવું એવો એક વ્યવહારુ મધ્યમમાર્ગી તોડ અમે કાઢ્યો.
પ્રાપ્ત માહિતીને જેમની તેમ મૂકી આપવાનું અમે સ્વીકાર્યું નહોતું. જુદીજુદી હસ્તપ્રતસૂચિઓની માહિતી કેટલેક સ્થાને સામસામે ટકરાતી દેખાઈ અને અમારી સજ્જતા કેળવાતી ગઈ તેમ હસ્તપ્રતસૂચિઓની માહિતી પરત્વે ઘણાં સ્થાનોએ અમને શંકાઓ પણ ઊભી થતી ગઈ. આવી માહિતીની ચકાસણી હસ્તપ્રત સુધી જઈને પણ કરવાની અમને ફરજ પડી ને એમ કરતાં અમને જણાયું કે અમારી શંકાઓ ઘણે સ્થાને સાચી હતી અને હસ્તપ્રતસૂચિઓમાં ભૂલો થયેલી હતી. ભૂલો હસ્તપ્રતવાચનની હતી તેમ સ્વીકારેલી પદ્ધતિની પણ હતી.
અમે એ પણ જોયું કે હસ્તપ્રતસૂચિઓ એક પદ્ધતિએ થયેલી નહોતી - જુદીજુદી સૂચિઓ જુદીજુદી પદ્ધતિએ તૈયાર થયેલી હતી અને અમારે એની સાથે જુદીજુદી રીતે કામ પાડવાનું થતું હતું. હસ્તપ્રતસૂચિઓની ગલી કૂંચીઓનો અમને પરિચય થવા લાગ્યો અને એની પદ્ધતિઓના ગુણદોષ પણ અમને સમજાવા લાગ્યા. અનુભવ એટલોબધો ગાઢ અને ઊંડો હતો ને મનમાં કહેવાનું એટલુંબધું ઊભરાતું હતું કે એકએક હસ્તપ્રતસૂચિની વિગતે સમીક્ષા કરતો એકએક લેખ કરવો જોઈએ એવો વિચાર મારા મગજમાં ઠીકઠીક સમય
ઘૂમરાતો રહ્યો હતો. ત્યારે એ મારાથી શક્ય બન્યું નહીં અને આજે તો Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org