________________
સ. સંસાર દુઃખરૂપ ક્યારે લાગે ?
ભગવાનનું માનીએ ત્યારે. સંસાર આપણને દુઃખરૂપ લાગે પછી જ છોડવો હશે તો ક્યારે ય નહિ છૂટે. ભગવાન કહે છે માટે છોડી દેવો હશે તો અત્યારે છૂટી જાય એવો છે. આસક્તિ છોડી દઈએ અને મુક્તિ તરફ નજર માંડીએ તો જ કામ થાય એવું છે. મને સમજાયા પછી માનું - એનું નામ મિથ્યાદર્શન અને સમજાય કે ન સમજાય, ભગવાન કહે માટે માની લેવું છે – એનું નામ સમ્યગ્દર્શન. સંસારના સુખ પ્રત્યેનો રાગ કાઢી નાંખીએ, દુ:ખ પ્રત્યે પ્રેમ કેળવી લઈએ, આપણી અક્કલને કામે લગાડીએ તો આજે સમ્યક્ત્વ મળે એવું છે. થોડું થોડું સુખ છોડતાં જઈએ અને થોડું થોડું દુઃખ ભોગવતાં જઈએ તો સમ્યગ્દર્શનની નજીક જઈએ.
* વંદન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનને યોગ્ય હોવાથી ભગવાનને અર્હન્ કહેવાય છે. આપણે ભગવાનને વંદન કરીએ છીએ તે શા માટે ? ભગવાન વંદનનમસ્કારને યોગ્ય છે એમ માનીને કરીએ છીએ ને ?
* વંદન એટલે માથું નમાવવું અને નમસ્કાર એટલે વાણીથી બોલીને નમવું તે. પૂજા એટલે વસ્ત્ર, પુષ્પમાળા વગેરે અર્પણ કરવું અને સત્કાર એટલે જોતાંની સાથે સંભ્રમપૂર્વક ઊભા થઈ જવું. સામો માણસ ન જુએ તોપણ ઊભા થઈ જવું તે સંભ્રમ. જ્યાં અત્યંતર પ્રીતિ હોય ત્યાં આ રીતે એકાએક સહસા ઊભા થવાનું ફાવે. સામા માણસની નજર પડે ત્યારે ઊભા થવું તે ઔચિત્ય. આપણે માત્ર ઔચિત્ય નથી પાળવું, સંભ્રમપૂર્વક ભક્તિ કરવી છે. શિષ્ટાચારનું પાલન શિષ્ટ દેખાવા માટે નથી કરવું, શિષ્ટ થવા માટે કરવું છે. સારા આચારો સારા થવા માટે છે, સારા કહેવડાવવા માટે નહિ.
* આ તેરમી ગાથામાં ‘અન્તિ’ પદ ત્રણ વાર કેમ વાપર્યું છે-આવી શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે અત્યંત આદર જણાવવા માટે આ રીતે પ્રયોગ કરાય છે. ‘આવું કોઈ કરે છે ?' આવી ફરી શંકા થાય તો તેના નિરાકરણમાં ‘જયઈ સુયાણં પભવો....' આ શ્લોક જણાવ્યો છે, જેમાં ચાર વાર ક્રિયાપદનો પ્રયોગ છે.
* ભગવાનની ભક્તિ કરવાનું આપણને ગમે છે પણ ભગવાનનું બહુમાન કરવાનું આપણને ગમતું નથી. આજે આપણામાં મોટામાં મોટી અપાત્રતા જ એ છે કે આપણને તરવાનો ભાવ નથી અને આપણે ભક્તિ કરીએ છીએ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org