________________
બાકીના ટકા પૂરા કરી આપવાની જવાબદારી અમારી ! ભાવ ન હોય તોપણ દાક્ષિણ્યગુણથી પણ દીક્ષા લઈને પાળવી છે : આટલું નક્કી કરવું છે? આપણા ભગવાને આપણા ઉપર કેટલી કરુણા કરી છે અને માર્ગ બતાવવામાં કેટલી ચોકસાઈ રાખી છે? આ બધું અહીં સાંભળીને ઘરે જઈને વિચારવાની ટેવ રાખી નથી આથી જોઈએ એવું પરિણામ નથી આવતું. બાકી જો આ રીતે વિચારો તો વૈરાગ્ય લાવવો સહેલો છે, અઘરો નથી. સત્ત્વ ન હોય તો સર્વ કેળવીશું, સહનશીલતા ન હોય તો સહનશીલતા મેળવીશું, અભ્યાસ ન હોય તો અભ્યાસ પાડીશું, પણ ગુણ પામ્યા વગર નથી રહેવું. અહીં જે સંસ્કાર પડે છે તેનું ઘરે જઈને ધોવાણ થઈ જાય તો તેનો અર્થ શું? દીક્ષાના પરિણામ જાગે એ માટે ઘર છોડીને ચાર મહિના સાધુ પાસે રહેવું છે. પૌષધ કરીને ન રહેવાય તો પૌષધ વગર પણ ઉપાશ્રયમાં જ રહેવાનું, ઘરે જમવા પણ જવું નથી, ટિફિન મંગાવીને વાપરી લેવું છે – આટલું નક્કી કરવું છે ? સારા વાતાવરણમાં સારા સંસ્કાર ખીલે ને? વૈરાગ્ય પામવો હશે તો ઘર છોડવું પડશે. પણ તમારે ઘર નથી છોડવું ને? ઉકરડામાં બેસીને સુગંધની અપેક્ષા રાખે તો તે પૂરી થાય ખરી ? જ્યાં સુખનો છાંટો નથી ત્યાં સુખ શોધવામાં આખી જિંદગી બગાડી, હવે સુધરવું છે? એક માજીની સોય ખોવાઈ ગઈ હતી ઘરમાં અને તે શોધવા માટે ઘરની બહાર આવ્યાં હતાં, કારણ કે ઘરમાં અંધારું હતું અને બહાર પ્રકાશ હતો, હવે એ પ્રકાશમાં સોય મળે ખરી ? આપણે બધા એ માજી જેવા જ છીએ ને ? દવા પણ ક્યાં લગાડો? જ્યાં ગૂમડું થયું હોય ત્યાં ને ? ગૂમડાની જગ્યાએ દવા લગાડવાનું ફાવે એવું ન હોય તો બીજે દવા લગાડવાથી ગૂમડું મટી જાય ? સંસારનું સુખ આપનાર પુણ્ય નથી ભોગવવું, ધર્મની અનુકૂળતા આપનાર પુણ્યનો ઉપયોગ કરી લેવો છે. તમને સુરસુંદરીની વાત ગમે કે મયણાસુંદરીની?
સ. ગમે છે સુરસુંદરીની, પણ ગમાડવી છે મયણાસુંદરીની !
જે મયણાસુંદરીની વાત ગમાડવી હોય તો ત્યાંનું વાતાવરણ છોડી અમારે ત્યાં આવી જાવ. ડોક્ટર પણ ટ્રીટમેન્ટ ક્યારે કરે ? તમે હોસ્પિટલમાં આવો તો ને? કારણ કે ઘરના લોકો તો રાગથી દર્દીને અપથ્ય પણ ખવડાવી દે, એથી દવા લાગુ ન પડે. માટે ડોક્ટર પણ ઘર છોડાવે ને? પુણ્ય (સુખ) ભોગવવાની અનુકૂળતા તમારે ત્યાં છે અને ધર્મ કરવાની અનુકૂળતા અમારે ત્યાં છે : કઈ અનુકૂળતા જોઈએ છે ?
* આપણું કલ્યાણ ચૂકીને બીજાને લાભ થતો હોય તેવી પ્રવૃત્તિ નથી કરવી.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org