________________
ગુરુ મળ્યા પછી પણ જો આપણે સંસારમાં જ રહ્યા હોઈએ તો આપણા જેવું મૂરખ કોણ ? પુણ્યાનુબંધી પુણ્ય જો ઉપાદેય હોય તો તેનો ભોગવટો છોડીને સાહેબે દીક્ષા કેમ લીધી-એનો પણ વિચાર કર્યો ખરો ? દીક્ષાની સામગ્રી પુણ્યથી મળે પણ દીક્ષાના પરિણામ પુણ્યથી નથી મળતા, ક્ષયોપશમભાવથી મળે છે. મોક્ષ આપણા કપાળબળે (ભાગ્યથી) નથી મળવાનો, કાંડાના બળે (પુરુષાર્થથી) આપણે મેળવવાનો છે. આપણા પુણ્ય તો છેક સાધુપણાના દરવાજા સુધી આપણને લાવી મૂક્યા છે. જે ખૂટે છે તે પરિણામ ખૂટે છે, તે પુણ્યથી નહિ મળે, પુરુષાર્થથી પેદા કરવા પડશે. શાસ્ત્રમાં કહ્યું છે કે પંદર દુર્લભ વસ્તુમાંથી તેર વસ્તુ આપણને મળી ગઈ છે. તમારી ભાષામાં કહીએ તો નેવું ટકા મળી ગયું છે હવે માત્ર દસ ટકા બાકી છે. નેવું પગથિયાં ચઢી ગયા પછી કોઈ નીચે ઊતરવા મહેનત કરે કે હાંફ ચઢે તોપણ દસ પગથિયાં ચઢવા પુરુષાર્થ કરે ? જેને સામગ્રી મળ્યા પછી સામગ્રી જ ગમી જાય તે સાધના ન કરી શકે. જેને સામગ્રીનો ઉપયોગ કરવાનું મન હોય તે જ સાધના કરી શકે. જેને પુણ્યાનુબંધી પુણ્ય ગમી જાય તેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય નહિ. જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તે તો એ ભોગવટામાંથી છૂટીને ચારિત્ર લેવા માટે તલસતો હોય. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય સુખમાં અનાસક્તભાવ જીવતો રાખે, વિરાગભાવ ટકાવી રાખે. પણ તેનાથી વિરતિના પરિણામ ન આવે. વિરતિના પરિણામ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જાગે.
સ. ગમે છે તો પુણ્ય, પણ ઓઠું પુણ્યાનુબંધી પુણ્યનું લીધું છે.
હવે તમે બરાબર સમજ્યા, પુણ્યાનુબંધી પુણ્યના ઓઠા નીચે સુખ આપનાર પુણ્યને ઉપાદેય માનવાની ભાવના છે, આ પોલ તમે ખુલ્લી કરી. આ પોલ છે એવું સમજાતું હોય તો હવે સામગ્રીને ઉપાદેય માનવાના બદલે એના ઉપયોગને ઉપાદેય માનીને કામે લાગવું છે. સાહેબજેવા ગુરુ મળવા છતાં આપણે જાગ્યા નહિ ને ? ગૌતમસ્વામી જેવા ગુરુ મળે એવી શક્યતા હવે નથી. એ મહાપુરુષો ગયા. એવા ગુરુ મળે એવી અપેક્ષા રાખવાના બદલે જે ગુરુ મળે તેને ગૌતમસ્વામી માનીને જીવીશું તો ચોક્કસ આપણો નિસ્વાર થશે.
સ. અમે જ પથ્થરજેવા હોઈએ તો?
નાવના બળે પથ્થર પણ તરી જાય છે, માત્ર તરવાનો ભાવ જોઈએ. તરવાનો ભાવ હોય તો આજે પણ જે સદ્ગભગવન્ત મળે તેને ગૌતમસ્વામી જેવા તારક માનીને જીવો તો વિસ્તાર થયા વિના નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org