________________
સામયિકો અને “જૈન સાથેની લેખકની સહયાત્રા : ૫
૪૬૯
આદેશ એમણે કર્યો હતો. પત્ર વાંચીને હું તો ભારે વિમાસણમાં પડી ગયો; મેં કંઈક ગભરામણનો પણ અનુભવ કર્યો. પણ હવે કહેલી વાત ઇન્કારી શકાય એવી સ્થિતિ નહોતી રહી; તેથી એનો ભાંગ્યોતૂટ્યો જેવો બને તેવો અમલ કર્યે જ છૂટકો હતો. એટલે મેં એમને હા લખી. મને હતું, કે છ-એક મહિના તો ગમે તેમ ગાડું ગબડાવી લઈશ; પછી મારે આ જવાબદારી લાંબો વખત ક્યાં ખેંચવાની છે ?
પણ ભવિતવ્યતા કંઈક જુદી જ હતી. તેથી, જે જવાબદારી છ-એક મહિનામાં છોડવાની હતી તે નિભાવતાં-નિભાવતાં છેક ૩૧-૩૨ વર્ષ જેટલો લાંબો સમય ચાલ્યો ગયો! કારણ કે, મેં એ જવાબદારી સ્વીકાર્યા પછી, “સુશીલ ભાઈની તબિયત વધુ ને વધુ અસ્વસ્થ થતી ગઈ; અને છેવટે એમનું અવસાન થયું ! આ પ્રસંગમાં મારા માટે કંઈક ગૌરવ કે આનંદ લેવા જેવી વાત એટલી જ છે, કે એક સિદ્ધહસ્ત, વિખ્યાત અને સુચરિત લેખકના ઉત્તરાધિકારી બનવાનો સોનેરી અવસર મને મળ્યો. તેથી, સમય જતાં, લખવાની ટેવ પણ હું કેળવી શક્યો. એટલે આ પ્રસંગે, સૌથી પહેલાં, શ્રી સુશીલ ભાઈના ઋણનો સાદર સ્વીકાર કરવો એ મારું કર્તવ્ય બની રહે છે.
લખવાનો મૂળે મહાવરો બહુ ઓછો; તેમાં વળી દર અઠવાડિયે નિયમિત રીતે લખવું અને સમયસર મેટર ટપાલમાં રવાના કરવું એ તો મારા માટે આકરી અગ્નિ-પરીક્ષા જેવું કામ થઈ પડ્યું હતું. શરૂઆતનાં બે-ત્રણ વર્ષની કામગીરી તો મારા માટે, સાચા અર્થમાં, ઉજાગરા કરાવનારી અને મનને બેચેન બનાવી મૂકે એવી જ હતી.
જે દિવસે ચાલુ કામથી છુટકારો મેળવીને કંઈક આનંદ કે મળવા-હળવા દ્વારા તાજગી મેળવવાનું બનતું હતું, એ રવિવારથી જ શું લખી મોકલવું, એની ચિંતા ઘેરી વળતી; અને જ્યારે લખાણ પૂરું કરીને ટપાલમાં નાખું, ત્યારે જાણે ચિંતાને ટપાલ-પેટીમાં પૂરી દીધી હોય એવી હળવાશ હું અનુભવતો ! પણ આ હળવાશ ઝાઝું ટકતી નહિ – અને વળી શનિ-રવિવારથી આગલા અઠવાડિયા માટેના લખાણની ચિંતા બેચેન બનાવી મૂકતી. પણ હવે લીધું કામ પડતું મુકાય એવી સ્થિતિ ન હતી; વળી આમાં બે પૈસાની પ્રાપ્તિ પણ થતી હતી કે, જે ઘરવ્યવહારમાં ઉપયોગી બની રહેતી હતી.
પણ આ રીતે ત્રણેક વર્ષ માનસિક તાણમાં વિતાવ્યા પછી, લખવાની ફાવટ મને ક્રમે-ક્રમે આવવા લાગી હતી, અને દર અઠવાડિયે સમયસર લખાણ મોકલવાનું પણ હવે એટલું બધું ચિંતાકારક કે બોજાવાળું લાગતું ન હતું. આ જવાબદારી મેં લીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org